નવી દિલ્હી/ન્યૂ યોર્ક: આશરે આઠ હજાર શીખો દ્વારા ૧૬મીએ પ્રસિદ્ધ ટાઇમ્સ સ્કવેરમાં ‘ટર્બન ડે’ સેલિબ્રેટ કરાયો હતો. આ પ્રસંગે શીખોએ એકબીજાના માથે પાઘડી પહેરાવી હતી. અમેરિકામાં વધી રહેલા હેટ ક્રાઇમને જોતાં શીખોની ઓળખના સંબંધમાં જાગૃતિ વધારવા માટે આ પગલું લેવાયું હતું. અમેરિકામાં ‘વી આર શીખ’ નામથી એક રાષ્ટ્રીય અભિયાન શરૂ થયું છે. આ અભિયાનમાં અમેરિકાના નાગરિકોને શીખો વિશે માહિતી આપવામાં આવશે અને એ પણ બતાવવામાં આવશે કે શીખોને પોતાની પાઘડી પર ગર્વ શા માટે છે. અભિયાન મારફતે લોકોમાં આ લઘુમતી સમુદાયને લઈને ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં હેટ ક્રાઇમની ઘટનાઓ બની, જેમાં શીખોને પણ ટાર્ગેટ કરાયા હતા.
૬૫ ટકા અમેરિકન શીખ ધર્મથી અજાણ
સૂત્રો મુજબ નેશનલ શીખ કેમ્પેન એનએસસીના કો-ફાઉન્ડર રાજવતસિંહે જણાવ્યું કે બૈશાખી પર શરૂ થયેલું આ અભિયાન એક મહિનો ચાલશે. આ અમારા માટે પવિત્ર દિવસ છે. પાઘડી સમાનતાને લઈને અમારા વિચારો અને બીજાઓની સેવાનું પ્રતીક છે, પણ હાલમાં તે આતંકવાદ અને અમેરિકા વિરોધનું પ્રતીક બની ગઈ છે. અમેરિકામાં શીખ ધર્મ વિશે જાગ્રતિ ફેલાવવાનું આ અભિયાન એક મહત્ત્વની પહેલ છે, કારણ કે ૬૫ ટકાથી વધુ અમેરિકન નાગરિકો શીખ ધર્મથી અજાણ છે. આ અભિયાનને સફળ બનાવવા અને પરિવર્તન લાવવા મીડિયાની મદદ લેવામાં આવશે. આમાં માર્કેટિંગ અને પબ્લિક રિલેશનને સામેલ કરાયા છે, જેથી નેશનલ અને સ્થાનિક ચેનલો પર શીખ અમેરિકન્સની ઉપસ્થિતિ પર ફોકસ કરી શકાય.