પાર્થિવ પટેલનો ન્યૂ જર્સી સ્ટેટ બારમાં વકીલ તરીકે પ્રવેશ

Thursday 01st February 2018 04:30 EST
 
 

ન્યૂ જર્સીઃ ઐતિહાસિક કહી શકાય તેવી ઘટનામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પાંચ વર્ષની વયે ભારતથી ન્યૂ જર્સી આવેલો અને હાલ ૨૭ વર્ષનો પાર્થિવ પટેલ ૨૪ જાન્યુઆરીએ ન્યૂ જર્સી સ્ટેટ બારમાં વકીલ તરીકે પ્રવેશ મેળવનાર કથિત પ્રથમ ‘ડ્રીમર’ બન્યો હતો. ભારતીય ઈમિગ્રન્ટસના પુત્ર અને ન્યૂ જર્સીના એટર્ની જનરલ ગુરબીર ગ્રેવાલે ગવર્નર ફીલ મર્ફી સાથે ન્યૂ જર્સીના ટ્રેન્ટનમાં સ્ટેટ હાઉસ ખાતે એક સમારોહમાં પાર્થિવને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પટેલના પત્ની સારિકા પણ હાજર હતા.
ડ્રેક્સલ યુનિવર્સિટી થોમસ આર ક્લાઈન સ્કૂલ ઓફ લોમાંથી ગ્રેજ્યુએટ થયેલા પટેલ પોતે મેળવેલી કાયદાની ડિગ્રીનો ઉપયોગ અન્ય લોકોની સેવા માટે કરવા માગે છે. પાર્થિવ પટેલ DACA તરીકે ઓળખાતા ડિફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ એરાઈવલ્સ પ્રોગ્રામ હેઠળ ન્યૂ જર્સીમાં કાયદાની પ્રેક્ટિસ કરવા માટે સ્ટેટ બારમાં પ્રવેશ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે. આ પ્રોગ્રામ હેઠળ બાળક તરીકે અમેરિકા લવાયેલા અધિકૃત દસ્તાવેજો વિનાના ન્યૂ જર્સીના ૨૨,૦૦૦ સહિત દેશભરના ૮૦૦,૦૦૦ ઈમિગ્રન્ટ્સને દેશવટા સામે રક્ષણ મળ્યું છે. પટેલે જણાવ્યું હતું,‘ હું આજે એક સંદેશ સાથે ઉભો છું - ડ્રીમર્સ અમેરિકી છે. અમે આપના મિત્રો અને સહકર્મી છીએ. અમે આપના ડોક્ટરો અને એકાઉન્ટન્ટસ છીએ. અને હવે ન્યૂ જર્સીમાં આપના વકીલ.’
માઉન્ટ લૌરેલમાં રહેતા પાર્થિવ પટેલને ગયા મહિને પેન્સિલ્વેનિયા બારમાં પણ પ્રવેશ મળ્યો હતો. અગાઉ તેમને ઈમિગ્રેશન સ્ટેટસને લીધે પ્રવેશનો ઈનકાર કરાયો હતો. પરંતુ, અમેરિકન સિવિલ લીબર્ટીઝ યુનિયનની મદદથી કરેલી અપીલ તેઓ જીતી ગયા હતા.
પટેલને ૨૦૧૨માં DACA મળ્યું હતું જેમાં તેમને અમેરિકામાં કામ કરવાની પરવાનગી મળી હતી. લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા પછી જુલાઈ ૨૦૧૬માં પટેલે ન્યૂ જર્સી અને પેન્સિલ્વેનિયા બન્ને બારની પરીક્ષા પાસ કરી હતી.
ન્યૂ જર્સી બારમાં પ્રવેશ માટે પટેલની અરજી પર રજૂઆત કરનારા ACLU-NJના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમોલ સિંહાએ જણાવ્યું હતું કે કોઈને પણ તેઓ જ્યાં જન્મ્યા હોય તેને લીધે સારું કામ કરવામાં તેમની આડે અવરોધો ન આવવા જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter