વોશિંગ્ટનઃ નામ છે આયુષ કુમાર અને ઉંમર છે માત્ર ૧૦ વર્ષ. પરંતુ આ ટેણિયો આટલી નાની ઉંમરે દુનિયાભરના અખબારોમાં ચમકી ગયો છે. કારણ? એપલ માટે માત્ર ૧૦ દિવસમાં ગેમિંગ એપ બનાવીને તે કંપનીનો સૌથી નાની વયનો ડેવલપર બન્યો છે. અમેરિકામાં રહેતાં ભારતવંશી આયુષને સપ્તાહમાં માત્ર ૩૦ મિનિટ માટે ડિજિટલ ડિવાઈસ વાપરવાની તક મળતી હતી. પરંતુ આટલા ઓછા સમયમાં પણ તે પોતાની પસંદગીની હોબી - કોડિંગ કરતો હતો. તેણે પિતાએ આપેલો એક પડકાર ઝીલી લઇને એપલ માટે એપ ડેવલપ કરી નાંખી હતી.
તાજેતરમાં ત્રીજી જૂને યોજાયેલી એપલની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સમાં આ એપ રજૂ કરાઇ હતી. અત્યારે આ એપનો રિવ્યુ ચાલે છે, અને ટુંક સમયમાં આ એપને એપલ સ્ટોરમાં અપલોડ કરાશે. એપલે આયુષ અને તેના પિતા અમિત કુમારનો ઇન્ટરવ્યૂ કર્યો. તે દરમિયાન પિતા અમિત કુમારે જણાવ્યું હતું કે આયુષને મોબાઈલ-કોમ્પ્યુટર માટે દરરોજ માત્ર ૩૦ મિનિટનો સમય મળતો હતો. જેમાં તે કોડિંગની સાથે ગેમિંગ પણ કરી લેતો હતો. તેની પ્રતિભા જોઈ મેં આયુષને એપલ કોન્ફરન્સમાં સામેલ થવાનો પડકાર ફેંકી દીધો હતો. મેં આયુષને કહ્યું હતું કે તું ટ્રાય કર, પણ કોમ્પિટિશનમાં ક્વોલિફાઈ નહીં કરી શકે. જોકે તેણે પડકાર ઝીલી લીધો અને દસ જ દિવસમાં ફિઝિક્સ પર આધારિત એપ બનાવી નાંખી અને કોન્ફરન્સ એટેન્ડ કરીને ચેલેન્જ પૂરી કરી છે.
આ સિદ્ધિથી ખુશખુશાલ આયુષ કહે છે કે ‘મારા માતા-પિતા ટેકનોલોજી ફિલ્ડના છે. તેમને કોડિંગ કરતા જોઈ બાળપણથી મને પણ કોડિંગ પસંદ હતું. તેથી મારા માટે એપ બનાવવાનું મુશ્કેલ ન હતું.’ ઉલ્લેખનીય છે કે એપલનો સ્કોલરશિપ પ્રોગ્રામ નાના બાળકોને ડેવલપર્સ કોન્ફરન્સમાં ભાગ લેવાની તક આપે છે. તેની એક ટિકિટની કિંમત ૧૦૦૦ ડોલર સુધી છે. એટલું જ નહીં, એપલ કોન્ફરન્સમાં એન્ટ્રી માટેની ઓછામાં ઓછી ૧૩ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. જોકે આયુષની ક્ષમતા જોઈને એપલે તેને વિશેષ છૂટ આપી હતી.
રસનો વિષય કાર ટેક્નોલોજી
આયુષ કહે છે કે ‘તમે એપલની કોન્ફરન્સમાં જાતભાતની નવી વસ્તુઓ શીખો છો, જે વસ્તુઓ અંગે સામાન્ય રીતે મોટા ભાગના લોકો વિચારતા જ નથી. હું પોતે પણ મારો પોતાનો મોબાઈલ ન હોવાને કારણે બીજી એપ વાપરી શકતો નથી, પરંતુ મેં ત્યાં ઘણું બધું શીખ્યું. મારો વિશેષ રસ તો કાર અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજીમાં છે. મોટો થઈને હું ટેસ્લા જેવી કાર ટેકનિક પર કામ કરવા માગું છું.’