વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘વેરી સ્માર્ટ મેન’ અને ‘ગ્રેટ ફ્રેન્ડ’ ગણાવીને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે આગળ વધશે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સંતુલિત વેપાર સંબંધો માટે ટેરિફ સહિતના અવરોધમાં ઘટાડા સહિત દ્વિપક્ષીય વેપારની ચર્ચા કરવા અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર લેન્ડો સાથે ચર્ચાવિચારણા કરી તે જ દિવસે ટ્રમ્પે મોદીની આ ભરપૂર પ્રશંસા કરી હતી.
વ્હાઈટ હાઉસમાં યુએસ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તાજેતરમાં જ અહીં આવ્યા હતાં અને અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છીએ. ભારતનો દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાં સમાવેશ થાય છે તે ક્રૂર છે, તે ક્રૂર છે. તેઓ ખૂબ જ સ્માર્ટ છે. તેઓ (મોદી) ખૂબ જ સ્માર્ટ માણસ છે અને મારા એક મહાન મિત્ર છે. અમારી વચ્ચે ખૂબ સારી વાતચીત થઈ હતી. મને લાગે છે કે ભારત અને આપણા દેશ વચ્ચે ખૂબ જ સારી વેપાર સમજૂતી થશે. હું કહેવા માંગુ છું કે તમારી પાસે એક મહાન પ્રધાનમંત્રી છે. અમેરિકા 2 એપ્રિલથી તેના વેપાર ભાગીદારો દેશો પર પારસ્પરિક ટેરિફ લાદી રહ્યું છે તેના થોડા દિવસો પહેલા ટ્રમ્પે આ ટીપ્પણીઓ કરી હતી. નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મિસરી અને લેન્ડો વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી સહયોગ તથા મોબિલિટી અને માઈગ્રેશનના મુદ્દા પર વાતચીત થઈ હતી. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે બંને અધિકારીઓએ વાજબી અને સંતુલિત દ્વિપક્ષીય વેપાર સંબંધો સ્થાપિત કરવા માટે અવરોધો ઘટાડવા તથા ડિફેન્સ અને ટેકનોલોજીમાં સહયોગને મજબૂત કરવા અંગે વાતચીત થઈ હતી.
ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર માટે સેક્ટર આધારિત ચર્ચા યોજશે
ભારત પર ટેરિફ લાદવાની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીમકી વચ્ચે બંને દેશો વચ્ચે વેપાર સંતુલનને વાજબી બનાવવા અંગે મંત્રણા થઇ હતી. મંત્રણા દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર કરારનું માળખું નક્કી કરવા માટે આગામી સપ્તાહો દરમિયાન સેક્ટર આધારિત ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે. ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે યોજાયેલી ચાર દિવસની બેઠકના અંતે શનિવારે સેક્ટર આધારિત મંત્રણા કરવા સહમતિ સધાઈ હતી.
ભારતીય વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વૃદ્ધિ અને તટસ્થતા, રાષ્ટ્રીય સુરક્ષા તથા રોજગાર સર્જન જેવા સમાન હેતુઓને સાકાર કરવા માટે બંને દેશો વચ્ચે મલ્ટિ-સેક્ટર દ્વિપક્ષીય વેપાર કરારની દિશામાં આગળ વધવા સહમતિ સધાઈ છે. જેના પ્રથમ તબક્કાને ઓગસ્ટ-સપ્ટેમ્બર, 2025 સુધીમાં અંતિમ સ્વરૂપ અપાશે.