વોશિંગ્ટનઃ અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીથી પાંચ મહિના પહેલા પ્રમુખ જો બાઇડેન અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ હતી. પ્રમુખ જો બાઇડેન અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન બંને નેતાઓએ લગભગ 75 મિનિટ સુધી એકબીજા પર ગંભીર આરોપ લગાવ્યા હતા તેમજ અંગત બાબતો પર પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે બાઇડેનને મંચુરિયન કહીને આરોપ લગાવ્યો કે બાઇડેનને ચીન પાસેથી પૈસા મળે છે. રાષ્ટ્રપતિ બાઇડેને ટ્રમ્પને તેમના હશ મની મામલામાં ભીંસમાં લેતા કહ્યું હતું કે, તમારી પત્ની ગર્ભવતી હતી અને તમે પોર્ન સ્ટાર સાથે સંબંધ બનાવી રહ્યા હતા.
81 વર્ષીય બાઇડેન માટે ખુદને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના સૌથી યોગ્ય ઉમેદવાર તરીકે સાબિત કરવાની આ સૌથી શ્રેષ્ઠ તક હતી. જોકે, 75 મિનિટની ડિબેટ પછી અમેરિકાના સૌથી મોટા મીડિયા હાઉસમાં સામેલ ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને ડિબેટ હોસ્ટ કરનાર સીએનએન એ ડિબેટમાં ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા છે.