ગુજરાતી સમુદાય માટે સૌ પ્રથમ વખત ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ગાલા ૨૦૧૮નું શુક્રવાર તા.૨૫.૫.૧૮ના રોજ કેનેડાના મિસિસાગા ખાતે આયોજન થશે. ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN)ના સ્થાપક વિપુલ જાનીએ વધુમાં જણાવ્યું હતું કે આ સમારોહ દુનિયાના વિવિધ ભાગોમાં વસેલા સમુદાયના અગ્રણીઓને એક મંચ પર લાવશે.
પોતાના યોગદાન અને સિદ્ધિઓ દ્વારા વિશ્વ ફલક પર પોતાની ઓળખ ઉભી કરનારા બિઝનેસ, મીડિયા, હેલ્થકેર અને આર્ટ જેવા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનો એવોર્ડ વિજેતાઓમાં સમાવેશ થાય છે.
ગુજરાતી સમાજે કેનેડા, અમેરિકા, યુકે, આફ્રિકા અને ભારત એમ જે પાંચ પ્રદેશમાં ભારે સફળતા મેળવી છે તેનું એવોર્ડ વિજેતાઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
તેમાં અમેરિકાના એલર્જી સ્પેશિયાલિસ્ટ અને કેટલાક ઈન્ડો - અમેરિકન પબ્લિકેશનના પ્રકાશક ડો. સુધીર પરીખ, આંત્રપ્રિનિયોર અને ભારત બહાર ગુજરાતી ફેસ્ટિવલ ‘ચલો ગુજરાત’ના સંચાલક સુનિલ નાયક, કેનેડાના પ્રતિષ્ઠિત ગીલર પ્રાઈઝના બે વખતના વિજેતા જાણીતા લેખક મોયેઝ જી વાસનજી, સુરતી સ્વીટ માર્ટ બ્રાન્ડથી સૌ ગુજરાતીના દિલ જીતી લેનારા હરેન શેઠ, કેનેડાના ભારત ખાતેના હાઈ કમિશનર નાદિર પટેલ, ગુજરાતને મેડિકલ ટુરિઝમમાં સ્થાન અપાવનારા શેલ્બી હોસ્પિટલ્સના સીએમડી ભારતના ડો. વિક્રમ શાહ, શેલ્બી હોસ્પિટલના ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ તથા ઓરલ ઈમ્પ્લાન્ટોલોજિસ્ટ ડો. દર્શિની વિક્રમ શાહ, ગુજરાતી રંગભૂમિ, ટીવી અને ફિલ્મક્ષેત્રના ટોચના કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા તેમજ યુકેના એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડના સ્થાપક તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ અને મોઝામ્બિકના COGEF ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન રિઝવાન અડાતીયાનો સમાવેશ થાય છે.
વિપુલ જાનીએ જણાવ્યું હતું,‘ આપણા સમાજમાં ઘણાં યોગ્ય ઉમેદવારો હોવાથી વિજેતાઓની પસંદગી કરવાનું કાર્ય ખૂબ અઘરું હતું. પરંતુ, આ તો શરૂઆત છે. અમે આ એવોર્ડ્સને વાર્ષિક બનાવવા માગી એ છીએ જેથી સિદ્ધિ મેળવનારા વધુ વ્યક્તિવિશેષોને દર વર્ષે સન્માનિત કરી શકાય.’
કેનેડામાં વસતો સમુદાય આ ઈવેન્ટમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લેશે તેવી શક્યતા છે કારણ કે વિશ્વના મોટા સમુદાય સાથે તેમના આદાન-પ્રદાન માટે આ સૌ પ્રથમ પ્રસંગ છે અને કેનેડામાં સમાજે સાધેલા વિકાસને દર્શાવવાની તક છે.
ગ્લોબલ ગુજરાતી નેટવર્ક ૨૦૧૭માં સ્થપાયેલી કેનેડિયન કંપની છે. તેનો ઉદ્દેશ વિશ્વના ગુજરાતી બિઝનેસીસ સાથે સંપર્ક, વૈશ્વિક ગુજરાતી સમુદાયે આપેલા યોગદાનને બીરદાવવાનો, ગુજરાત અને વૈશ્વિક ગુજરાતીઓ વચ્ચે સેતુ બનવાનો તેમજ દુનિયાના વિવિધ ભાગોમાં કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતની કલા, સંસ્કૃતિ, વીરાસત અને બિઝનેસને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.
વધુ માહિતી માટે વિપુલ જાનીનો ઈમેલ [email protected] અને
www.globalgujaratinetwork.com વેબસાઈટ પર સંપર્ક કરી શકાશે.