વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ તરીકે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેવી આગાહી કરનાર પ્રેડિક્શન પ્રોફેસરે આગાહી કરી હતી કે ટ્રમ્પ સામે મહાભિયોગની કામગીરી કરાશે અને તેમને સત્તા પરથી દૂર કરાશે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરતાં કોઈ પગલાં માટે કે તેમને પોતાનો લાભ થાય તેવાં કોઈ કૌભાંડ માટે તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે અને તેમણે સત્તા ગુમાવવી પડશે.
આઠમી નવેમ્બરે રાત્રે યુએસની ચૂંટણીનાં પરિણામો આવ્યાં તે પહેલાં જૂજ લોકો જ એવાં હતાં કે જેમણે ટ્રમ્પ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. આવાં લોકો પૈકી પ્રોફેસર પ્રેડિક્શનની અત્યાર સુધીની આગાહીઓ સાચી પડી છે. તેમણે એવા આધારે આ આગાહી કરી હતી કે સત્તારૂઢ પક્ષની કામગીરીના પ્રત્યાઘાત લોકોએ સત્તાપરિવર્તનનાં રૂપમાં આપ્યા હતા.
પ્રોફેસર પ્રેડિક્શને કહ્યું હતું કે ટ્રમ્પ સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી કરાયા પછી તેઓ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સને પ્રમુખ તરીકેની કામગીરી સંભાળવા પસંદ કરી શકે છે. લીચમેન ઉપરાંત ન્યૂયોર્ક ટાઇમ્સમાં ડેવિડ બ્રૂક્સે પણ ટ્રમ્પ સામે મહાભિયોગની આગાહી કરી છે.
ટ્રમ્પવિરોધી દેખાવો
યુએસ પ્રમુખપદે ટ્રમ્પનો વિરોધ કરવા ન્યૂ યોર્ક સહિત અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે. ઓરેગોનમાં ફાયરિંગમાં ૧૨મી નવેમ્બરે એક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસ ખાનગી ફાયરિંગ કરનારની શોધ ચલાવી રહી છે. મેનહટ્ટન અને વોશિંગ્ટન સ્ક્વેર ખાતે ૧,૨૦૦થી વધુ લોકોએ ટ્રમ્પનો વિરોધ કરતાં પ્લેકાર્ડ હાથમાં લઈને દેખાવો કર્યા હતા. લાલ ફુગ્ગા પર લોકોએ ‘લવ ટ્રમ્પ્સ હેટ’ લખ્યું હતું, કોઈએ લખ્યું હતું કે ‘નોટ માય પ્રેસિડેન્ટ’. શિકાગો અને કેલિર્ફોનિયા તેમજ અન્ય રાજ્યોમાં પણ લોકોએ રસ્તા પર આવીને વિરોધ દર્શાવ્યો હતો. સતત ચોથા દિવસે દેખાવો કરનાર દેખાવકારોના ગુસ્સાની ટ્રમ્પે પ્રશંસા કરી હતી, તેમણે કહ્યું હતું કે આ બધું મીડિયાના ઈશારે કરાઈ રહ્યું છે. મિયામી, એટલાન્ટા, ફિલાડેલ્ફિયા, ન્યૂ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, પોર્ટલેન્ડમાં તોફાનો અને દેખાવો થયા હતા. ટ્રમ્પના વિરોધીઓએ રસ્તા પર આવી દેખાવો કર્યા હતા. રબરની બુલેટથી તેઓ ડરશે નહીં તેમ જણાવ્યું હતું.