વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ પર હાવી થયાં હતાં. 11 સપ્ટેમ્બરે યોજાયેલી આ ડિબેટમાં ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બાઈડેનની નીતિઓ અને કમલા પર વ્યક્તિગત હુમલા કર્યા હતા જ્યારે કમલાએ વિદેશનીતિ, અર્થવ્યવસ્થા અને ગર્ભપાત જેવા મુદ્દે ટ્રમ્પને ઘેર્યા હતા. ચૂંટણી પહેલાં આ બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ હતી તેમાં ટ્રમ્પ અને કમલા પહેલી વાર સામસામે આવ્યાં હતાં. 27 જૂને બાઇડેન અને ટ્રમ્પની ડીબેટ થઈ હતી. એ સમયે ખૂબ જ ખરાબ પ્રદર્શનને કારણે બાઈડેને રાષ્ટ્રપતિ પદની દાવેદારી છોડવી પડી હતી.
અમેરિકાના મોટા ભાગના ચૂંટણી વિશ્લેષકો અને મીડિયા સંસ્થાનોનું કહેવું છે કે આ ડિબેટમાં કમલાનું પલડું ભારે રહ્યું હતું. કમલા 37 મિનિટ 36 સેકન્ડ અને ટ્રમ્પ 42 મિનિટ 52 સેકન્ડ બોલ્યાં હતાં. ડિબેટમાં રશિયા-યુક્રેન તથા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, સરહદનો વિવાદ, ઇમિગ્રન્ટ, અર્થવ્યવસ્થા, કેપિટલ હિલ રમખાણો અને ગર્ભપાત જેવા મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી.
એક તબક્કે ડિબેટમાં ટ્રમ્પ બચાવની મુદ્રામાં આવી ગયા હતા. મોટા ભાગના કિસ્સામાં ટ્રમ્પ અસરકારક રીતે મત રજૂ કરી શક્યા નહોતા. બીજી તરફ કમલાના હાવભાવ અસરકારક હતા. ઉલ્લેખનીય છે કે સરવેમાં પણ કમલા આગળ છે. અમેરિકામાં 5 નવેમ્બરે મતદાન યોજાનાર છે. અત્યાર સુધીમાં પ્રસિદ્ધ કરાયેલા ચૂંટણી સરવેમાં કમલા 49 ટકા સાથે ટ્રમ્પ (47 ટકા) કરતાં આગળ છે.
કમલી જીતશે તો વિશ્વ યુદ્વ નક્કીઃ ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું હતું કે વર્તમાન શાસકો બાઈડેન-કમલા શાસને સાડા ત્રણ વર્ષમાં કશું કર્યું નથી. દેશ બરબાદીના રસ્તે છે. વિશ્વ આપણા ઉપર હસે છે. કમલા જીતશે તો ત્રીજું વિશ્વયુદ્ધ નક્કી છે. હું જીતીશ તો રશિયા-યૂક્રેન યુદ્ધ રોકાશે. હું વેરામાં કાપ મૂકીશ. પહેલાં જેવી સારી અર્થવ્યવસ્થા ઊભી કરીશ.
ટ્રમ્પ તાનાશાહ બનવા માગે છેઃ કમલા
જ્યારે કમલા હેરિસે કહ્યું હતું કે મારું ધ્યાન ભવિષ્ય પર છે અને ટ્રમ્પ અતીતમાં અટવાયા છે. અમે પાછા નહીં પડીએ. ટ્રમ્પે જાતિવાદના આધારે અમેરિકાના ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. વિશ્વના નેતાઓ તેમની મશ્કરી કરે છે. સૌ જાણે છે કે ટ્રમ્પને તાનાશાહી કરવી ગમે છે.
ક્યા મુદ્દે ટ્રમ્પ અને હેરિસનું વલણ...
• પ્રવાસી મુદ્દે... ટ્રમ્પે કહ્યું કે 2.1 કરોડ પ્રવાસી આવ્યા છે. મોટાભાગના આરોપી છે. પ્રવાસીઓના લોકોનાં પાળેલા પ્રાણી ખાઇ જાય છે. જવાબમાં ખડખડાટ હસતાં કમલાએ કહ્યું આ તો હદ બહારનું છે. આ મામલે પુરાવા ન હોવાનું ડિબેટ મોડરેટરે પણ કહ્યું હતું.
• ઇઝરાયલ મુદ્દે... ટ્રમ્પે કહ્યું હતું કે કમલા ઇઝરાયલને નફરત કરે છે. એ જીતશે તો બે વર્ષમાં ઇઝરાયલનું અસ્તિત્વ નહીં રહે. જ્યારે કમલાનું કહેવું હતું કે અમે હંમેશા કહ્યું છે કે ઇઝરાયલને સ્વસુરક્ષાનો અધિકાર છે. અમે એવું કરીશું, પણ હવે યુદ્વ પુરું થવું જોઇએ.
• ગર્ભપાત મુદ્દે... ટ્રમ્પે કહ્યું હતું કે ગર્ભપાત નીતિ રાજ્યોએ નક્કી કરવી જોઇએ. હું એવો કોઇ કાયદો લાવવાનો નથી. સામે કમલાએ કહ્યું હતું કે ટ્રમ્પ ગર્ભપાત પર પ્રતિબંધ મુકશે. મહિલાના શરીરનો નિર્ણય સરકારે ન કરવાનો હોય.
• વ્યક્તિગત મુદ્દે... ટ્રમ્પે કહ્યું હતું કે કમલા માર્કસવાદી છે. તેમના પિતા પણ માર્ક્સવાદી હતા. રેલીમાં આવવા માટે લોકોને પૈસા અપાય છે. જ્યારે કમલાએ કહ્યું હતું કે તમે રાષ્ટ્રપતિ હોત તો (રશિયાના પ્રમુખ) પુતિન (યૂક્રેનના) કીવમાં હોત. જેને (પુતિન) તમે મિત્ર માનો છો એ તાનાશાહ છે. તમને ખાઇ જશે.