ફલોરિડાઃ ભારતીય-અમેરિકન શિક્ષિકા શાંતિ વિશ્વનાથે પોતાની આત્મસૂઝથી ફ્લોરિડાની હાઈસ્કૂલમાં ૧૪મી ફેબ્રુઆરીએ થયેલા ગોળીબારમાં કેટલાય વિદ્યાર્થીઓના જીવ બચાવ્યાં હતાં. આ ઘટનામાં જોકે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કુલ ૧૭ લોકોનાં મોત થયાં હતાં.
ફ્લોરિડાનાં પાર્કલેન્ડમાં માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં ૧૯ વર્ષના સસ્પેન્ડેડ પૂર્વ વિદ્યાર્થીએ આંધળો ગોળીબાર કર્યો હતો. સન સેંટિનલના રિપોર્ટ અનુસાર હથિયારબંધ યુવક સ્કૂલની આસપાસ આમતેમ આંટા મારતો ગોળીબાર કરતો હતો તે સમયે બપોરે સ્કૂલમાં બીજો એલાર્મ વાગ્યો ત્યારે મેથ્સના શિક્ષિકા શાંતિ વિશ્વનાથને ક્લાસરૂમના દરવાજા બંધ કરી દીધા અને તમામ વિદ્યાર્થીઓને ફર્શ પર ઝૂકી જવાનું કહ્યું હતું. એટલું જ નહીં ટીચરે ક્લાસરૂમની બારીઓ પણ બંધ કરી દીધી હતી.
એક વિદ્યાર્થી બ્રાયનના વાલી જર્બોએ કહ્યું કે, શાંતિ વિશ્વનાથને એટલા એલર્ટ હતાં કે જ્યારે સ્વાટ ટીમ (સુરક્ષા ટીમ) સ્થળે આવી અને ટીચરને દરવાજા ખોલવા કહ્યું તો પણ ટીચરે દરવાજા ખોલ્યા નહીં, તેમને શંકા હતી કે આ ગનમેનની ચાલ હોઇ શકે છે.
એક અખબારે જણાવ્યું કે એક વિદ્યાર્થીએ તેની માતાને જણાવ્યું છે કે, વિશ્વનાથન દ્વારા દરવાજો નહીં ખોલતા સ્વાટ ટીમનો એક સભ્ય બારીમાંથી અંદર આવ્યો અને તેણે કલાસરૂમને ખાલી કરાવ્યો હતો. આ ઘટનાના એક કલાકમાં સશસ્ત્ર હુમલાખોરને પકડી લેવાયો હતો. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, એઆર-૧૫ અર્ધ-સ્વચાલિત રાઇફલ ધરાવતા હુમલાખોરની ઓળખ સ્કૂલના જ ૧૯ વર્ષના સસ્પેન્ડ વિદ્યાર્થી નિકોલસ ક્રૂઝ તરીકે થઇ હતી. તેને ઈનડિસિપ્લિનરીના કારણોસર સ્કૂલમાંથી કાઢી મુકાયો હતો.