વોશિંગ્ટન: અમેરિકામાં 44 વર્ષના ભારતીય મૂળના પૂર્વ ફાઇઝર કર્મચારી અમિત ડાગરને ફેડરલ કોર્ટમાં ઈનસાઈડર ટ્રેડિંગનો દોષિત ઠેરવાયો છે. તેના પર ઇનસાઇડ ટ્રેડિંગ કરીને 2.70 લાખ ડોલરથી વધુનો નફો કમાવવાનો આરોપ છે. આરોપી પર ફાર્મા કંપની દ્વારા કોરોનાની દવાઓના ક્લિનિકલ ટેસ્ટ રિઝલ્ટની માહિતીને આધારે ગેરકાયદે ટ્રેડિંગ કરી અયોગ્ય લાભ કમાવવાનો આરોપ છે. બે સપ્તાહની ટ્રાયલ પછી ન્યૂ જર્સીના હિલ્સબરોના રહેવાસી અમિત ડાગરને સિક્યુરિટી ફ્રોડ અને સિક્યુરિટીઝ છેતરપિંડી આચરવા માટે કાવતરું ઘડવા બદલ દોષિત ઠેરવાયો હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એક નિવેદનમાં જણાવ્યું છે.
કોર્ટના દસ્તાવેજ અનુસાર નવેમ્બર-2021માં આરોપી અમિત ડાગરે કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવા પેકસ્લોવિડના ક્લિનિકલ ટેસ્ટ રિઝલ્ટ અંગેની ગુપ્ત માહિતીને આધારે ટ્રેડિંગ કરી લાભ મેળવવા માટેની ગેરકાયદે બિઝનેસ ડિલમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી તે સમયે ફાઈઝરનો કર્મચારી હતો. ચાર નવેમ્બર 2021ના રોજ ડાગરને જાણવા મળ્યું હતું કે સામાન્યથી ગંભીર કોવિડ-19 સંક્રમણની સારવાર માટે બનાવાયેલી દવા પેકસ્લોવિડ અંગે ફાઈઝરના પરીક્ષણોમાં સકારાત્મક પરિણામો સામે આવ્યા છે.