વોશિંગ્ટનઃ અમેરિકાની ફાર્માસ્યુટિકલ સેક્ટરની દિગ્ગજ ફાઈઝર કંપની દ્વારા સ્પેશિયાલિટી ફાર્મા બિઝનેસની અગ્રણી ખેલાડી એલારગનને આશરે ૧૬૦ બિલિયન ડોલર એટલે કે લગભગ ૧૦.૬૩ લાખ કરોડ રૂપિયામાં ટેકઓવર કરશે. ફાર્મા ઉદ્યોગની આ સૌથી મોટી ડીલના પગલે ફાઈઝર દુનિયાની નંબર વન ફાર્મા કંપની બની જશે. એલારગન તેની પ્રોડક્ટ 'બોટોક્સ' માટે ખ્યાતનામ છે.
ડીલની વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ જાણકારોનું કહેવું છે કે, એલારગનના પ્રત્યેક શેરના બદલામાં ફાઈઝરના ૧૧.૩ શેર અપાશે. આ ઉપરાંત અમુક અંશે રોકડ ચુકવણી પણ થશે. અલબત્ત, તેનું પ્રમાણ સોદાના કુલ મૂલ્યના ૧૦ ટકાથી વધુ નહીં હોય.