વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ શાન સ્પાઇસરને તાજેતરમાં એક મૂળ ભારતીય મહિલાએ પૂછયું છે કે, એક ફાસીવાદી (ટ્રમ્પ) સાથે કામ કરવાનું તમને કેવું લાગે છે? દેશને બરબાદ કરતી વખતે તમને કેવું લાગી રહ્યું છે? સ્પાઇસરે આ મહિલાને જવાબ આપ્યો છે કે, અમેરિકા એક મહાન દેશ છે જે તમને અહીં રહેવા દે છે.
સ્પાઇસરની આ ટિપ્પણી વંશીય ગણાઈ રહી છે. ૪૩ વર્ષની શ્રી ચૌહાણે ૧૧મી માર્ચે એક સ્થાનિક એપલ સ્ટોરમાં સ્પાઇસરને આ સવાલ કર્યાં હતાં. સ્પાઇસરના જવાબ એટલા વેધક હતા કે શ્રીએ તે જવાબ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઘણા સવાલ પૂછી નાંખ્યા. શ્રીએ કહ્યું કે, તે વોશિંગ્ટનમાં ૧૦ વર્ષથી રહે છે. આ દરમિયાન તેના કામના લીધે, ફાર્મસી અને ગ્રોસરીના કારણે ડઝનબંધ વીવીઆઇપીઓને મળી છે, પણ અગાઉ ક્યારેય તેણે કોઈનેય આવા સવાલ પૂછયા નથી.
શ્રીનું કહેવું છે કે મેં સવાલ પૂછયો તેનો એ અર્થ નથી કે મને અમેરિકાની બહાર ફેંકી દો. હું આ દેશમાં જન્મી છું. ઉછરી છું અને ઘણી ખામીઓ છતાં તેને પ્રેમ કરું છું. જોકે સ્પાઇસરે પછીથી કહ્યું છે કે, અમેરિકા આઝાદ દેશ છે અને અહીં રહેતા લોકો પોતાની મરજીથી જે કરવા ઇચ્છે તે કરવાનો તેમને અધિકાર છે.