ન્યૂ યોર્કઃ ફેસબુક વિરુદ્ધ તેના જ સહસ્થાપક ક્રિસ હ્યુજે અમેરિકી અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એક લેખ લખીને જણાવ્યું છે કે, ફેસબુકને બંધ કરી દેવાનો અથવા તો કંપનીનું વિસર્જન કરવાનો સમય આવી પહોંચ્યો છે. ફેસબુક દ્વારા તેના સ્થાપક માર્ક ઝકરબર્ગ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની રહ્યા છે એટલું જ નહીં તેને કોઈ રોકનાર ન હોવાથી એ ફેસબુકનો ઉપયોગ લોકસંપર્ક વધારવા કરતાં પોતાના હિત માટે કરે એવી શક્યતા વધુ છે.
ક્રિસે આગળ લખ્યું છે કે, મને માર્ક પ્રત્યે વ્યક્તિગત રીતે આદર છે, પરંતુ તેણે જે ફેસબુકને કનેક્ટિવિટીને બદલે બિઝનેસનું સાધન બનાવાની શરૂઆત કરી દીધી છે તે ભયાવહ છે. હવે માર્કનું ધ્યાન ફેસબુકના વપરાશકર્તાઓની સલામતી પર નથી ક્લિક કેમ વધે? લોકો ફેસબુક પર વધુ સમય કેવી રીતે પસાર કરે? વધુ માહિતી શેર કરે જેથી ફેસબુકનો ડેટાબેઝ વધે તેના પર કંપની વધારે ભાર મૂકી રહી છે. માર્ક પાસે આખી દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે ન હોય એટલી બધી શક્તિ આવી રહી છે. એવી ચેતવણી પણ ક્રિસે આપી હતી.
આ પહેલા પણ ફેસબુકના જ કર્મચારીઓ ફેસબુક ચલાવવા માટેની માર્કની નીતિ-રીતિ સામે વાંધો ઉઠાવી ચૂક્યા છે. આ પહેલાં વોટ્સએપના સર્જક જોન કુઆમે પણ ફેસબુક ડિલિટ કરવાની ટ્વિટ કરી હતી. એમાંય ફેસબુક સલામત નથી એવું છેલ્લા બે વર્ષ દરમિયાન સામે આવેલા ડેટા લીક કૌભાંડ પરથી સાબિત થઈ ચૂક્યું છે. ફેસબુક પર યુરોપિયન સંઘે વારંવાર દંડ કર્યો છે. હવે અમેરિકામાં ૫ અબજ ડોલર જેટલો દંડ થાય એવી શક્યતા છે.