અમેરિકાનાં ડેનવરમાં પોતાની ૧૨ વર્ષની પુત્રીનું આઈફોનનું વળગણ દૂર કરવા જ્યારે માતાએ તેની પાસેથી આઈફોન આંચકી લીધો ત્યારે ગુસ્સે ભરાયેલી છોકરીએ માતાને બેવાર ઝેર આપ્યું હતું. પ્રથમવાર છોકરીએ તેની માતા માટે બનાવેલા નાસ્તામાં બ્લીચ નાખ્યું હતું પરંતુ માતા બચી ગઈ હતી. જો કે, ફરીવાર છોકરીએ માતાના પાણીમાં બ્લીચ નાખ્યું હતું. માતાને તેની ગંધ આવી હતી. છોકરીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે આઈફોન આંચકી લેવાથી તે માતાથી નારાજ હતી. માતાએ જ આ પછી પોલીસમાં છોકરી સામે ફરિયાદ કરી હતી.
અમેરિકામાં ભારતીયએ અનોખી ચીપ વિકસાવીઃ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના ભારતીય વૈજ્ઞાનિક અનુરાગ માથુરે માઈક્રોચીપ પર ધબકતું અને વ્યવહારિક રીતે ઉપયોગી એવું હૃદય વિકસાવ્યું છે, જેની મદદથી દવાની અસરો તપાસી શકાશે. ફેફસાં અને આંતરડાના કેટલાક ભાગ પછી આ નવું માનવ અંગ છે જેની પ્રતિકૃતિ લેબોરેટરીમાં બની છે. સ્ટેમસેલ્સની મદદથી સંશોધકોએ આ ટિસ્યૂ વિકસાવી છે. જે કોઈ દવાની આડઅસર અંગે અગાઉથી માહિતી આપી શકે છે અને દર્દીને કેટલો ડોઝ આપી શકાય એ પણ નક્કી કરી શકે છે.
મોદીના સમર્થક અમેરિકન સાંસદનું રાજીનામુંઃવડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક એવા અમેરિકન રિપબ્લિકન સાંસદ એરોન શોકે રાજીનામું આપ્યું છે. એરોન વર્ષ ૨૦૧૩માં મોદીને મળવા ભારત આવ્યા હતા. તે સમયે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેમના પર ગુજરાતમાં કોમી રમખાણને કારણે અમેરિકામાં પ્રતિબંધ હતો.