ન્યૂ યોર્કઃ અમેરિકામાં વસી રહેલા ટોચના ૪૦૦ ધનવાનોની ફોર્બ્સ દ્વારા બહાર પડેલી યાદીમાં ભારતીય મૂળના સિમ્ફની ટેક્નોલોજીના સ્થાપક રોમેશ વાધવાણી, આઉટસોર્સીંગ ફર્મ સિન્તેલના ભરત અને નિરજ દેસાઈ, એરલાઇન અગ્રણી રાકેશ ગંગવાલ, ઉદ્યોગસાહસિક જોન કપૂર તેમજ સિલિકોન વેલી એન્જલ ઇન્વેસ્ટર કવિતાર્ક શ્રીરામનો સમાવેશ થાય છે. યાદીમાં માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ સતત ૨૩મા વર્ષે પ્રથમ ક્રમે રહ્યા છે. ૬૦ વર્ષના બિલ ગેટ્સ ૮૧ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે.
વાધવાણી ૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ૨૨૨મા ક્રમે છે. ૨.૫ અબજ ડોલરની સંપત્તિ સાથે દેસાઈબંધુઓ ૨૭૪મા ક્રમે છે. તેમણે ૧૯૮૦માં મિશિગન ખાતે સિન્તેલ કંપનીની સ્થાપના કરી હતી. ગંગવાલ ૨.૨ અબજ ડોલરની સંપત્તિ સાથે ૩૨૧મા ક્રમે રહ્યા છે. તેઓ એવિએશન કંપની ધરાવે છે. ઇન્ડિગોના તેઓ સહસ્થાપક હતા. જોન કપૂર ૨.૧ અબજની સંપત્તિ સાથે યાદીમાં ૩૩૫મા ક્રમે રહ્યા છે. ૭૩ વર્ષના કપૂર બે ઔષધ કંપની ધરાવે છે અને ૧.૯ અબજની સંપત્તિ સાથે શ્રીરામ ૩૬૧મા ક્રમે રહ્યા છે.