ફ્લોરિડાઃ ફ્લોરિડાના વાઇલ્ડ લાઇફ અધિકારીઓએ જંગલમાંથી બર્મિઝ અજગરનો ત્રાસ દૂર કરવા બે ભારતીય શિકારીઓને કામે રાખ્યા છે. આ અજગરો જંગલના નાના પ્રાણીઓનો નાશ કરે છે અને જંગલમાંથી નાના પ્રાણીઓ નષ્ટ થઈ રહ્યા છે. તમિલનાડુ ગ્રામ્યપ્રદેશમાં રહેતા ઇરૂલા આદિવાસી સદાઇયાન અને વૈદીવાલ ગોપાલ અજગરોને પકડનારા કાબેલ શિકારીઓ છે તેમને ફ્લોરિડા લાવવામાં આવ્યા હતા. તેમની સાથે દુભાષિયા પણ રોકવામાં આવ્યા છે. આ બંને શિકારીઓ જંગલમાં અજગરના સગડ મેળવી પકડી પાડશે. માત્ર ૮ દિવસમાં જંગલના અધિકારીઓને આશ્ચર્યમાં નાખતા આ બંને શિકારીઓએ ૧૬ ફૂટ લાંબા અજગર સહિત ૧૩ અજગરો પકડી પાડયા હતા.
ફ્લોરિડા વાઇલ્ડ લાઇફ અને યુનિવર્સિટીનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે. તમિલનાડુના ઇરુલા આદિવાસી અજગર પકડવામાં નિષ્ણાત છે. તેમની કળા ફ્લોરિડાના લોકોને શીખવે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
ફ્લોરિડાનું વાઇલ્ડ લાઇફ તંત્ર હાલમાં ઇરૂલા જાતિના આ બે શિકારીઓ સાથે ઝુંબેશ ચલાવે છે. આ કામ માટે તેમને ૬૮૮૮૮ ડોલર ચૂકવવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.