વોશિંગ્ટનઃ અમેરિકામાં ફ્લોરિડાની સ્કૂલમાં ૧૪ ફેબ્રુઆરીની ગોળીબારની ઘટનામાં ૧૭ લોકોનાં મોત બાદ ગન કન્ટ્રોલની માગ સાથે દેખાવો કરાયા છે. ૨૨મી જાન્યુઆરીએ ૨૨ શહેરોમાં હજારો વિદ્યાર્થીઓએ માર્ચ કાઢી હતી. દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુમલામાં બચેલા લોકો અને મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે બંદૂકની ખરીદીની મંજૂરી આપતા પહેલા ગ્રાહકની માનસિક સ્થિતિ અને પૃષ્ઠભૂમિની તપાસ થવી જોઈએ. ટ્રમ્પે કહ્યું કે શિક્ષકોને પણ હથિયાર રાખવા અને ચલાવવાની ટ્રેનિંગ આપવી જોઈએ. તેમણે કહ્યું કે દેશમાં હાલમાં ૧૮થી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ હથિયાર ખરીદી શકે છે. આ વયમર્યાદા ૨૧ વર્ષ થવી જોઈએ.
બમ્પ સ્ટોક જેવા સાધનો પર પ્રતિબંધ મુકાશે
ફલોરિડાની શાળામાં ગોળીબારની ઘાતક ઘટના પછી લોકોની નારાજગીનો સામનો કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બમ્પ સ્ટોક જેવા બંદૂકના સાધનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બમ્પ સ્ટોક એક વિવાદાપદ સાધન છે જે મશીન ગનમાં સેમી-ઓટોમેટિક રાયફલનું કાર્ય કરે છે. જેના કારણે એક જ મિનિટમાં સેંકડો રાઉન્ડ ગોળીબાર કરી શકાય છે. ટ્રમ્પે ૨૨મીએ મશીન ગનમાં વપરાતા બમ્પ સ્ટોક જેવા બંદૂકના સાધનો પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરવા માટે એટર્ની જનરલ જેફ સેશન્સને નિર્દેશ આપવા માટે એક મેમોરન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતાં.