ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડામાં અચાનક ભારે વરસાદને કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. મિસિસિપી અને ફ્લોરિડામાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. અમેરિકાના હવામાનમાં આવેલા આચાનક પલટાથી ભારે વરસાદ પડયો હતો. ફ્લોરિડા ઇમરજન્સી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે અચાનક વાતાવરમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા ફ્લોરિડાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. જ્યારે ૪૨૦૦ રહેણાકને માઠી અસર થઈ હતી.
અમેરિકામાં આવેલા આ તોફાનને આલ્બર્ટો નામ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ તોફાન અખાતી દેશના ઉત્તર દિશા તરફ ફંટાવવાની શક્યતા છે. સોમવારે ફ્લોરિડા તથા આસપાસના વિસ્તારોમાં ૧૨ ઈંચ વરસાદ પડયો હતો.
કેરેબિયનના દરિયા કિનારે ભારે વરસાદથી ખૂબ ઊંચા મોજા ઊછળ્યા હતા. જેના કારણે કેટલાંક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થયા છે, જ્યારે મેક્સિકો, ક્યૂબા, ફ્લોરિડા તથા ખાડીના વિસ્તારો પૂર હોનારતનો ભોગ બન્યા હતા. પૂરના કારણે આ તમામ શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી.
અમેરિકાના હેરિકેન ઇમરજન્સી સેન્ટરના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે. ખાસ કરીને અમેરિકાના ખાડી વિસ્તારોમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી શકે છે. જોકે, આલ્બર્ટો આફતથી લોકોની અઠવાડિયાની રજાના આયોજન પર પાણી ફરી વળ્યું હતું. ફ્લોરિડા સહિત ક્યૂબા, મેક્સિકો તથા ક્યૂબાના અનેક પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા.