ન્યૂ યોર્કથી ૧૫૦ કિલોમીટર દૂર સ્ટેટ્સબર્ગમાં પેટ્રોલ સ્ટેશન પરના સ્ટોરકીપર ૫૮ વર્ષના અમરિકસિંહે બંદૂક સાથે સ્ટોરમાં ધસી આવેલાં એક બુકાનીધારીને ચંપલ મારીને ભગાડી મૂક્યો હતો. અમરિકસિંહ અત્યારે અમેરિકામાં પ્રખ્યાત થઈ ગયા છે. એક ટીવીના પ્રાઈમ ટાઈમમાં તેમને આ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. હવે તેઓ બંદૂકના લાઈસન્સ માટે અરજી કરશે. ૩૫ વર્ષથી પંજાબના મોગાથી અમેરિકા ગયેલાં એક શીખ ૧૯ વર્ષથી ત્યાં પેટ્રોલ પંપ અને સ્ટોર ચલાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે બંદૂકધારી સામે લડવા માટે તેમની પાસે કોઈ ખાસ પ્લાન નહોતો. તેમણે જણાવ્યું કે, જ્યારે બંદૂકધારીએ કેશ કાઉન્ટરમાં હાથ નાખ્યો કે તરત જ મે ચંપલ કાઢીને તેના નાક પર હુમલો કરી દીધો. મેં દોડીને તેને પકડ્યો, એવું લાગતું હતું કે અમે કુસ્તી રમી રહ્યાં છીએ. તેને કલ્પના પણ નહી કરી હોય કે મારા જેવો બુઢ્ઢો માણસ તેની સામે બાથ ભીડશે.