વોશિંગ્ટન: અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઇડેન કરતાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વ્હાઈટ હાઉસની ચૂંટણી જીતી જાય તેવી સંભાવના વધારે છે, એમ સીએનએનના પોલમાં જણાવાયું છે. કમલા હેરિસ આફ્રિકન અને ભારતીય વારસો ધરાવે છે. ગયા સપ્તાહે એટલાન્ટામાં રિપબ્લિકન દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ડીબેટમાં બાઈડેનના અત્યંત ખરાબ દેખાવ પછી તેમનું એપ્રુવલ રેટિંગ ઘટ્યું છે.
આ ચર્ચા પછી ડેમોક્રેટિક પાર્ટીની અંદર પણ બાઇડેન સામે અવાજ ઉઠવા લાગ્યા છે. બાઈડેન અમેરિકાના સૌથી વૃદ્ધ પ્રમુખ છે. પક્ષમાં લોકો કહેવા લાગ્યા છે કે તેઓ પ્રમુખપદની રેસમાંથી નીકળી જાય અને બીજા કોઈને તક આપે. અમેરિકામાં પાંચ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિપદની ચૂંટણી થવાની છે. સીએનએન પોલ મુજબ હાલમાં 78 વર્ષના ટ્રમ્પ બાઇડેન કરતાં છ પોઈન્ટ આગળ છે. ચૂંટણીના તારણો તે પણ જણાવે છે કે 59 વર્ષના કમલા હેરિસ ટ્રમ્પ કરતાં ઘણા નજીક છે.
રજિસ્ટર્ડ વોટરોમાં ટ્રમ્પને 47 ટકાનું તો કમલા હેરિસને 45 ટકાનું સમર્થન છે. તેમા માર્જિન ઓફ એરર ગણીએ તો તે સ્પષ્ટ છે કે આ સ્થિતિમાં હજી સુધી કોઈ ચોક્કસ સ્થિતિ સ્પષ્ટ થતી નથી. હેરિસે ટ્રમ્પ સામે થોડો મજબૂત દેખાવ બતાવ્યો છે. તેને 50 ટકા મહિલાઓનું સમર્થન છે, જ્યારે ટ્રમ્પ સામેના બાઈડેનને 44 ટકા મહિલાઓનું જ સમર્થન છે. સ્વતંત્ર ઉમેદવાર હેરિસને 43 ટકા અને બાઈડેનને 34 ટકા મળ્યા હતા. આ બતાવે છે કે હેરિસ વધુને વધુ સ્વીકાર્ય છે.
ઇશ્વર જ મને હટાવી શકેઃ બાઇડેન
બીજી તરફ, બાઈડેને ડોનાલ્ડ ટ્રમ્પની સ્પર્ધામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીપ્રક્રિયા હેઠળ થયેલી પ્રથમ ડિબેટમાં પોતાના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતાં શુક્રવારે કહ્યું તે તેઓ ચર્ચા માટે પહેલાંથી થાકેલા અને બીમાર હતા. સાથે જ, તેમણે કહ્યું કે કેવળ ‘સર્વશક્તિમાન ભગવાન’ જ તેમને પાંચમી નવેમ્બરે થનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીની રેસમાંથી બહાર કરી શકે છે. બાઈડેન સામે તેમની જ પાર્ટીમાંથી કેટલાક વિરોધી સૂર સાંભળવા મળી રહ્યા છે. જોકે, બાઈડેને એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એવું કશું નથી.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી પ્રક્રિયા હેઠળ એટલાન્ટામાં 27 જૂને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થયેલી ડિબેટમાં ખરાબ પ્રદર્શન બાદ બાઇડેનની લોકપ્રિયતાના રેટિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
...તો દાન નહીં આપીએઃ દાતાઓની ચીમકી
અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીનો હવે ૩ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ચૂંટણી પહેલાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી બીજા કાર્યકાળ માટે મેદાનમાં ઉતરેલા 81 વર્ષીય બાઈડેન અને ડેમોક્રેટિક પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 27 જૂને પ્રથમ ડિબેટ પછી ન માત્ર બાઈડેનની લોકપ્રિયતા ઘટી, ઘણા લોકો તેમને પ્રમુખપદની રેસમાંથી બહાર નીકળવા કહી રહ્યા છે છતાં બાઈડેન અડગ છે. આથી ડેમોક્રેટિક પાર્ટીની ચિંતા વધી ગઈ છે કારણ કે પાર્ટીના ઘણા મોટા દાતાઓએ કહ્યું છે કે કાં તો બાઈડેન રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જીદ છોડી દે અથવા તો તેઓ પાર્ટીને ચૂંટણીદાન આપવાનું બંધ કરી દેશે.