વોશિંગ્ટનઃ વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને બે ક્રિમિનલ કેસમાં દોષિત જાહેર કરાયેલા તેમના દીકરા હન્ટર બાઇડેનની સજા માફ કરી છે. રાષ્ટ્રપતિપદ છોડવાના માત્ર 50 દિવસ પહેલાં બાઇડેને મોટો યુટર્ન લીધો છે. કોર્ટ દ્વારા જૂનમાં હન્ટરને દોષી ઠેરવ્યા પછીથી ઘણી વાર બાઈડેન રાષ્ટ્રપતિપદના પોતાના વિશેષાધિકારોનો ઉપયોગ કરી હન્ટરને સજા માફી આપવાનું નકારતા રહ્યા હતા. જોકે વ્હાઇટ હાઉસે રવિવારે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં બાઈડેને પોતાના નિર્ણયને વાજબી ઠરાવતા કહ્યું હતું કે મારા દીકરાને રાજનૈતિક દ્વેષના કારણે ફસાવાયો હતો, આ ન્યાયની કસુવાવડ હતી. હન્ટરે કહ્યું કે હું આ માફીનો ક્યારેય ખોટો ઉપયોગ નહીં કરું.
દરમિયાન નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટોણો માર્યો હતો કે હન્ટરને માફી આપીને બાઈડેને ન્યાયની કસુવાવડ કરી છે. ટ્રમ્પે સવાલ ઉઠાવ્યો હતો કે શું બાઈડેન 6 જાન્યુઆરીએ સંસદ હુમલાના દેશભક્ત નિર્દોષોને પણ માફી આપશે ખરા?
હન્ટરને 37 વર્ષ જેલની શક્યતા હતી
હન્ટરને ગેરકાયદે બંદૂક રાખવા માટે વધુમાં વધુ 25 વર્ષ અને રૂ. 12 કરોડની ટેક્સચોરીમાં 12 વર્ષની સજા થઈ શકતી હતી. બંદુક કેસમાં 12 ડિસેમ્બર જ્યારે ટેક્સચોરીના કેસમાં 16 ડિસેમ્બરે સજાની જાહેરાત થવાની હતી.
સજા માફીને કોર્ટમાં પડકારી શકાતી નથી
રાષ્ટ્રપતિને આર્ટિકલ-2માં સજામાફીનો અધિકાર પ્રાપ્ત છે. સજામાફીને તો કોર્ટમાં પડકારી શકાય છે કે ન તો બીજા રાષ્ટ્રપતિ બદલી શકે છે. રાષ્ટ્રપતિ પોતાના વિવેક અનુસાર કોઇ પણ દોષિતોની સજા માફ કરી શકે છે. બાઇડેને હન્ટર સહિત 26ને માફી આપી છે.