વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેનને ખરાબ રીતે હરાવ્યા છે. આ ડિબેટ દરમિયાનના બાઈડેનના ખરાબ પ્રદર્શનથી ડેમોક્રેટ છાવણીમાં ચિંતાની લહેર પ્રસરી છે. અમેરિકાનાં બહુમતી મીડિયા હાઉસના રાજકીય વિશ્લેષકો અને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોનું કહેવું છે કે જો નવેમ્બરમાં થનારી ચૂંટણી સુધીની દોડમાં ટ્રમ્પ સામે ટકી રહેવું હોય તો બાઈડેને પોતાનું સન્માન બચાવવા માટે જાતે જ પાછા હટી જવું જોઈએ અને ભારતવંશી કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બનાવવાં જોઈએ.
અમેરિકાના જાણીતા અખબારના એડિટોરિયલ બોર્ડે લખ્યું કે દેશની ખરી સેવા માટે બાઈડેને હવે આ દોડમાંથી બહાર નીકળી જવું જોઈએ, તેમાં બાઇડેન અને દેશ બંનેની ભલાઈ છે. શુક્રવારે જ એ સાબિત થઈ ગયું કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમને આગામી ડિબેટ્સમાં ખરાબ રીતે હરાવશે.
કમલા હેરિસથી સારો વિકલ્પ નથી
ડેમોક્રેટિક પાર્ટી ચૂંટણીના પાંચ મહિના પહેલાં એવી સ્થિતિમાં નથી કે કશો મોટો પ્રયોગ કરે. પરંતુ ટ્રમ્પની સામે મજબૂત સ્પર્ધા માટે એ પણ જરૂરી છે કે બાઇડેનની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવાર ઉતારવામાં આવે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે કમલા હેરિસ કરતાં વધારે સારો બીજો વિકલ્પ ન હોઈ શકે.
કેમ કે, હેરિસ બાઇડેનના રનિંગમેટ છે.
જો બાઇડેન રાષ્ટ્રપતિપદની ઉમેદવારીમાંથી પોતાનું નામ પાછું ખેંચે તો એવી નક્કર સંભાવના છે કે તેઓ કમલાને જ નોમિનેટ કરશે. જો ડેમોક્રેટિક પાર્ટી કમલા હેરિસને રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર ન બનાવે તો આ દોડમાં બીજું નામ ગેવિન ન્યૂસમ છે.
56 વર્ષીય ગેવિન અત્યારે કેલિફોર્નિયાના ગવર્નર છે. જોકે, મોટા ભાગના ડેમોક્રેટ બાઇડેનનાં રનિંગમેટ ઉપરાષ્ટ્રપતિપદની ઉમેદવાર કમલા હેરિસને રાષ્ટ્રપતિપદ માટે આગળ વધારવાના પક્ષમાં જોવા મળી રહ્યા છે.