બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાઃ ભારતીય ક્રૂની સતર્કતાએ અનેકના જીવ બચાવ્યા

Tuesday 02nd April 2024 09:29 EDT
 
 

બાલ્ટીમોર: બહુચર્ચિત બાલ્ટીમોર દુર્ઘટનામાં ત્રણ કિમી લાંબો ફાન્સિસ સ્કોટ કી નામનો બ્રિજ તૂટી પડ્યો, પણ ભારતીય ક્રૂની સતર્કતાએ અનેકના જીવ બચાવ્યા છે. ક્રૂએ છેલ્લી ઘડીએ એલર્ટ કોલ આપ્યો હતો, જેનાથી સેંકડો લોકોના જીવ બચાવી શકાયા. ક્રૂના તમામ 22 સભ્યો સુરક્ષિત છે.
રાષ્ટ્રપતિ જો બાઈડેનથી માંડીને મેરિલેન્ડના મેયરનું કહેવું છે કે ભારતીય ક્રૂએ દાખવેલી સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, અને પુલ પરથી પસાર થનારા અનેકના જીવ બચાવી શકાયા છે.
પ્રમુખ બાઇડેને પ્રશંસા કરી
પ્રમુખ જો બાઈડેને જણાવ્યું હતું કે જહાજ પરના કર્મચારીઓએ મેરીલેન્ડના પરિવહન વિભાગને જહાજ પરનો અંકુશ જતો રહ્યો હોવાની જાણ કરી હતી. તેના કારણે સ્થાનિક ઓથોરિટીએ પૂલને બંને તરફથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેતાં મોટી જાનહાનિ નિવારી શકાઈ હતી.
ક્રૂ મેમ્બર્સ હજુ જહાજમાં ફસાયેલા છે
પુલ દુર્ઘટના બાદ કાર્ગો કન્ટેનર શિપના તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હજુ પણ ફસાયેલા છે. તેઓ જહાજમાંથી નીચે ઉતરી શક્યા નથી. જ્યાં સુધી બ્રિજનો કાટમાળ હટાવાશે નહીં ત્યાં સુધી ક્રૂ મેમ્બરને જહાજમાંથી બહાર કાઢવાનું મુશ્કેલ છે. જહાજમાં ફસાયેલા ક્રૂ મેમ્બરોને હાલ કોઈ મુશ્કેલી નથી. તેમની પાસે પૂરતા ભોજન-પાણીનો સંગ્રહ છે. એટલું જ નહીં, જનરેટર ચાલુ રાખવા માટે પૂરતા ફ્યુલની પણ સગવડ છે. દુર્ઘટનાના દિવસે ક્રૂએ જહાજ પુલ સાથે અથડાય નહીં તે માટે તમામ પ્રયાસો કર્યા હતા. કોઈ વિકલ્પ ન દેખાતા અંતે પાઈલટે એન્કર નીચું કરવાનું કહ્યું હતું, જેથી જહાજની ગતિ ઓછી થઈ શકે. મેરિલેન્ડની ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીને પણ એલર્ટ મોકલાયું હતું. અથડામણ થતાં જ બાલ્ટીમોર બ્રિજનો એક ભાગ વાંકો વળીને જહાજ પર પડ્યો હતો. આ પછી પુલનો વધુ કેટલોક ભાગ તૂટીને નદીમાં પડ્યો હતો.
સિંગાપુરના ધ્વજવાળું ડાલી નામનું માલવાહક જહાજ શ્રીલંકાની રાજધાની કોલંબો જતું હતું. આ જહાજ સોમવારે મધરાતે બાલ્ટીમોરના બ્રિજ સાથે ટકરાયું તેની થોડીક જ સેકન્ડોમાં પુલ તૂટીને લગભગ 50 ફૂટ (15 મીટર) નીચે ઠંડા પાણીમાં પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જહાજ જેવું પુલની નજીક પહોંચ્યું એવો જ ચાલક દળે એલર્ટ કોલ (SOS કોલ) આપ્યો, જેના લીધે પુલ તરફ આગળ વધી રહેલા લોકોને અટકાવી દેવાયા. તેનાથી ઘણાના જીવન બચાવી શકાયા.
ઘટનાનું કારણ હજુ અસ્પષ્ટ
ડાલી નામના જહાજે દુર્ઘટનાની થોડી સેકન્ડ પહેલા ચેતવણી જાહેર કરી હતી કે જહાજમાં વીજળી સહિત અન્ય સમસ્યાઓ ઉદ્ભવી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વીજળી ગુલ થઈ જવાનું કારણ શું હતું. સિંગાપુરના સમુદ્રી અને બંદર ઓથોરિટીએ સિનર્જી મરીન ગ્રુપનો આધાર ટાંકીને કહ્યું કે સંતુલન ગુમાવવાના કારણે ફ્રન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે ટકરાયું હતું. સીસીટીવી ફુટેજમાં દુર્ઘટના પહેલાંની મિનિટોમાં જહાજમાં બે વાર અંધારું થતું દેખાયું છે.
યુએસ કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે ક્રૂમાં એક શ્રીલંકન અને 20 ભારતીય છે. આ લોકો સંપૂર્ણપણે તપાસમાં સહયોગ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ અને જહાજ પર સવાર 20 ભારતીયો સાથે સતત સંપર્કમાં છે.
પુલ નિર્માણમાં 40થી 80 કરોડ ડોલરના ખર્ચનો અંદાજ
બાલ્ટીમોરનો તાજેતરમાં તૂટી પડેલો ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ બનાવતા 18 મહિનાથી ઘણા વર્ષોનો સમય લાગી શકે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવો પુલ બનાવવા માટે ઓછામાં ઓછા 40 કરોડ ડોલર કે તેથી બમણો ખર્ચ થવાની શક્યતા છે. તમામ બાબતોનો આધાર અનેક પરિબળો પર છે. નવા પુલની ડિઝાઇનથી માંડી સરકારી અધિકારીઓ વિવિધ મંજૂરી અને કોન્ટ્રાક્ટની ફાળવણી કેટલી ઝડપથી કરશે તેની પર નવા પુલના નિર્માણનો સમય અને ખર્ચ આધારિત રહેશે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના પ્રોફેસર બેન શેફરે જણાવ્યું હતું કે, ‘વાસ્તવિક મૂલ્યાંકન અનુસાર પ્રોજેક્ટને પૂરો થતા પાંચથી સાત વર્ષનો સમય લાગી શકે.’ જોકે, અન્ય કેટલાક નિષ્ણાતો વધુ આશાવાદી છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના એન્જિનિયરિંગ પ્રોફેસર સામેહ બદીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ 18 મહિનાથી બે વર્ષમાં પૂરો કરી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter