વોશિંગ્ટન: અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રધાનમંડળના સાથીદારોના નામ એક પછી એક જાહેર કરી રહ્યા છે. હવે તેમણે નાણાપ્રધાન તરીકે જાણીતા આંતરરાષ્ટ્રીય રોકાણકાર સ્કોટ બેસેન્ટ, લેબર પ્રધાન તરીકે લોરી ચાવેઝ-ડીરેમર અને સર્જન જનરલ તરીકે ડો. જેનેટ નેશીવાટની પસંદગી કરી છે. ટ્રમ્પે ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર તરીકે એલેક્સ વોગ અને કાઉન્ટર ટેરરિઝમના સિનિયર ડાયરેક્ટર તરીકે ડો. સેબેસ્ટિયન ગોર્કાના નામની જાહેરાત કરી છે.
ભૂતપૂર્વ સાંસદ ડો. ડેવ વેલ્ડનની સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના ડાયરેક્ટર તરીકે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તરીકે માર્ટી મેકરી તથા હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ પ્રધાન તરીકે સ્કોટ ટર્નરને પસંદ કરાયા છે. રસેલ થર્લો વોટને યુએસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (ઓએમબી)ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.
આ તમામ નિમણૂકો 20 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. તે દિવસે ટ્રમ્પ યુએસના 47મા પ્રેસિડન્ટ તરીકે શપથ લેશે. આ ઉમેદવારો પોતપોતાના હોદ્દા પર શપથ લે તે પહેલા યુએસ સેનેટની મંજૂરી જરૂરી છે.
નાણાપ્રધાન અંગે ટ્રમ્પે હતું કે ‘સ્કોટને અગ્રણી આંતરરાષ્ટ્રીય રોકાણકારો તથા ભૌગોલિક અને આર્થિક વ્યૂહરચનાકાર તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધિ ધરાવે છે. સ્કોટની કહાની અમેરિક ડ્રીમની છે. બેસેન્ટ અમેરિકન રોકાણકાર, પરોપકારી અને શિક્ષક છે. તેઓ કી સ્ક્વેર ગ્રૂપના સ્થાપક અને સીઈઓ છે.’
સ્કોટ બેસેન્ટ અબજોપતિ અમેરિકન રોકાણકાર, પરોપકારી અને શિક્ષણવિદ છે. તેઓ કી સ્કેવર ગ્રૂપના સ્થાપક અને સીઇઓ છે.