વોશિંગ્ટનઃ અમેરિકન પોપ સિંગર ટેઈલર સ્વિફ્ટ પાસે અબજો ડોલરની સંપત્તિ ધરાવે છે. દુનિયાભરમાં મશહૂર ટેઈલર સ્વિફ્ટની બ્રાન્ડ વેલ્યૂ પણ બિલિયન ડોલરની છે. અનેક એવોર્ડ અને અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવનારી આ પોપ સિંગરની બિલાડી પણ કરોડો ડોલરની મિલકત ધરાવે છે. બ્રાન્ડ વેલ્યૂની રીતે ટેઈલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બેન્સન 97 મિલિયન ડોલરની એટલે કે આશરે 800 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.
‘ઓલ અબાઉટ્સ કેટ્સ’ના રિપોર્ટમાં દુનિયાના સર્વાધિક ધનવાન પાલતુ સજીવોની યાદી જાહેર કરવામાં આવી છે. એમાં ટેઈલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બેન્સનને અંદાજે 800 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજો ક્રમ અપાયો છે. આ લિસ્ટમાં ગંથર-સિક્સ નામનો જર્મન શેફર્ડ ડોગ 580 મિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. એની માલિકી ઈટાલિયન મીડિયા કંપની ધરાવે છે. તો બીજા ક્રમે નાલા નામની બિલાડી છે. તેની સંપત્તિ 138 મિલિયન ડોલર જેટલી છે.
જોકે ટેઈલર સ્વિફ્ટની બિલાડી સંપત્તિના મામલે ત્રીજા ક્રમે હોવા છતાં સમાચારમાં છે. તેની વિશેષતા એ છે કે તે સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ ધરાવે છે. ઓલિવિયાના નામે કેટલાય ફેન પેજ બન્યા છે. ઓલિવિયા ટેઈલર સ્વિફટ સાથે અનેક વીડિયોમાં જોવા મળી ચૂકી છે. 24 કરોડ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતી ટેઈલર સ્વિફ્ટે આ બિલાડીનો એક ફોટો મૂક્યો હતો, જેને 20 લાખ કરતાં વધુ લોકોએ લાઈક કર્યો હતો. તેનાથી બિલાડીની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો થયો છે.
ટેલર સ્વિફ્ટ પાસે ઓલિવિયા સહિત કુલ ત્રણ બિલાડીઓ છે. મેરેડિથ ગ્રે અને બેન્જામિન બટન નામની બે બિલાડીઓ પણ ટેલર સ્વિફ્ટ સાથે વીડિયોમાં જોવા મળી ચૂકી છે. 11 ગ્રેમી એવોર્ડ મેળવી ચૂકેલી ટેઈલર સ્વિફ્ટ દુનિયાભરમાં બેહદ લોકપ્રિય છે.