શિકાગોઃ અમેરિકામાં હિજાબ (બુરખો) પહેરીને બેઠેલી મુસ્લિમ મહિલાને તાજેતરમાં સાઉથ વેસ્ટ એરલાઇન્સના વિમાનમાંથી ઉતારી દેવાઈ હતી. મહિલાએ ફ્લાઇટ એટન્ડન્ટને ફરિયાદ કરી હતી કે તે સાથે બેઠેલા સહયાત્રીની સાથે કમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહી નથી. તેથી તેની સીટ બદલવામાં આવે. મેરીલેન્ડમાં રહેતી મુસ્લિમ મહિલા હકીમા અબ્દુલ્લાએ કહ્યું કે, હું શિકાગોથી સીએટલ જનારી ફ્લાઇટમાં હતી અને પોતાની સીટ બદલવા માગતી હતી, પરંતુ તેઓએ કોઈ યોગ્ય કારણ બતાવ્યા વગર ફ્લાઇટમાંથી જ મને ઉતારી દીધી. આ અંગે અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ પર બનેલી કાઉન્સિલના અધિકારી જૈનબ ચૌધરીએ જણાવ્યું કે, હકીમાને અંગ્રેજી ભાષા વધુ આવડતી નહોતી તેને કારણે તેમને બહુ મુશ્કેલીઓ સહન કરવી પડી. બીજી તરફ કલાકો રાહ જોયા પછી બીજી ફ્લાઇટથી હકીમા યાત્રા કરી શકી.