આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ૩૪૦ દિવસ એટલે કે લગભગ ૧ વર્ષ જેટલો સમય વિતાવ્યા બાદ અમેરિકન અંતરિક્ષયાત્રી સ્કોટ કેલી અને તેમના રશિયન સાથી મિખાઈલ કોરિનિયનકો ૩જી માર્ચે પૃથ્વી પર પાછા ફરી આવ્યા છે. આ બંને સાથે આશરે ૬ મહિના પહેલાં સ્પેસ સ્ટેશન પર ગયેલા રશિયન અંતરિક્ષયાત્રી સર્ગેઈ વોલ્કોવ પણ પરત ફર્યા છે. કેલી અને મિખાઈલની આ સફળ યાત્રાને નાસા તેમના મંગળ મિશન માટે ખૂબ જ મહત્ત્વની માની રહી છે. તેમણે સોઇસ કેપ્સૂલથી બુધવારે સવારે ૧૦:૨૬ વાગ્યે કઝાકિસ્તાનનામાં ઉતરાણ કર્યું હતું. કેલી અને મિખાઈલ કોઈ પણ અંતરિક્ષયાત્રી કરતાં બમણો સમય આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા. આ મિશનનો હેતુ સ્પેસમાં આટલો લાંબો સમય સુધી રહેવા દરમિયાન શરીર પર થતી અસરને તપાસવાનો હતો.
કેલીએ રેકોર્ડ બનાવ્યો
અંતરિક્ષમાં ૩૪૦ દિવસ જેટલો સમય વિતાવીને કેલીએ રેકોર્ડ બનાવ્યો છે. કેલી પ્રથમ એવા અમેરિકન અંતરિક્ષયાત્રી છે જેમણે સ્પેસમાં આટલા લાંબા સમય માટે રોકાણ કર્યું છે અને કોઈપણ રશિયન અંતરિક્ષયાત્રી દ્વારા આટલી લાંબી અંતરિક્ષયાત્રા કરનારા મિખાઇલ પાંચમા અંતરિક્ષયાત્રી બન્યા છે. મહત્ત્વની વાત એ છે કે, સ્કોટ કેલીનો જોડિયો ભાઈ માર્ક પણ આ મિશનમાં સામેલ હતો અને તે ધરતી પર હતો. વૈજ્ઞાનિકોનો હેતુ બંનેનાં શરીર પર પડતા પ્રભાવનો તુલનાત્મક અભ્યાસ કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, અંતરિક્ષથી ધરતી વચ્ચે આ ત્રણેય અંતરિક્ષયાત્રીઓએ ૧૪૪ મિલિયન માઇલનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન તેમણે ૫,૪૪૦ વાર દુનિયાનાં ચક્કર લગાવ્યા હતા અને ૧૦,૮૮૦ વાર સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોયો હતો.
• ૧૪૪ મિલિયન માઇલ સ્પેસ્ટ્શનથી પૃથ્વી પર પાછા ફરતા અંતર કાપ્યું.
• ૫,૪૪૦ વાર દુનિયાના ચકકર લગાવ્યા
• ૧૦,૮૮૦ વાર સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોયો