શિકાગોઃ આઈકોનિક પ્લેન બોઈંગ-૭૪૭નું ઉત્પાદન બંધ કરવાનો સંકેત યુએસની કંપની બોઈંગે આપ્યો છે. આ વિમાનોની ડિમાન્ડ ઘટી રહી છે એટલે હવે ઉત્પાદન ચાલુ રાખવું અઘરું થઈ રહ્યું છે. જોકે ઉત્પાદન ક્યારથી બંધ થશે એ અંગે કંપનીએ કોઈ ચોક્કસ સમય આપ્યો નથી. હાલમાં કેટલાક ઓર્ડર બાકી છે એ પૂરા કરવામાં આવશે એ પછી બંધ કરવાની વિચારણા થશે. બાકી રહેલાં ઓર્ડર માટે અમેરિકી પ્રમુખ માટેના બે બોઈંગ-૭૪૭નો પણ સમાવેશ થાય છે. ભવ્ય દેખાવ અને વિશાળ કદને કારણે આ વિમાનનું નામ જમ્બો પડ્યું હતું. તે હવે તો અન્ય વિમાનો માટે પણ વપરાય છે. બોઈંગ કમર્શિયલ એરોપ્લેન કંપનીએ ૧૯૬૯માં આ વિમાન તૈયાર કર્યું હતું અને ૧૯૭૦માં પાન અમેરિકી એરલાઈન્સે પહેલું વિમાન ખરીદ્યું હતું. પાન અમેરિકન એરલાઈન્સના આગ્રહથી જ કંપનીએ આ વિમાન તૈયાર કરવામાં સાહસ કર્યું હતું. ડબલ ડેકર બોઈંગ ૭૪૭માં મહત્તમ ૬૬૦ મુસાફરો સમાવી શકાય છે. સતત ૩૭ વર્ષ સુધી આ વિમાને સૌથી વધુ મુસાફરો સમાવી શકતા વિમાન તરીકેનો વિક્રમ જાળવી રાખ્યો હતો. ઉત્પાદન શરૂ કર્યા પછીથી અત્યાર સુધીમાં કંપનીએ ૧૫૨૨ બોઈંગ ૭૪૭ બનાવ્યા છે. હજુ ગયા વર્ષે ૧૫૦૦મું વિમાન જર્મન એરલાઈન્સ લુફ્થાન્સાને ડિલિવર કરાયું હતું.
ચાર એન્જિન ધરાવતું આ વિમાન વધુ માત્રામાં બળતણ વાપરે છે. માટે એરલાઈન્સ કંપનીઓ હવે ૭૪૭ને બદલે બોઈંગ-૭૭૭ તથા એરબસ-૩૮૦ને પસંદ કરે છે. આ બંને પ્રકારના વિમાનો બે એન્જિનો ધરાવે છે. એક સમયે વિશાળ કદ અને વધુ મુસાફરો સાથે લાંબી સફર કરવાની ક્ષમતાને કારણે ૭૪૭ લોકપ્રિય થયું હતું.