વોશિંગ્ટનઃ કેનેડા થઇને અમેરિકા જવા બદલ ૪૩ વર્ષના ગુજરાતી મનીષ પટેલ દોષિત ઠર્યા છે. ભારતથી બનાવટી પાસપોર્ટ બનાવી તેણે યુએસમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ, મનીષ પટેલે તેના નિવેદનમાં કબૂલ કર્યું છે કે તેણે ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ બોર્ડર પેટ્રોલના એજન્ટ્સને ભારતનો બનાવટી પાસપોર્ટ બતાવીને અમેરિકામાં પ્રવેશ મેળવવાનો કારસો કર્યો હતો. મનીષ ભારતથી પહેલા ટોરન્ટો અને ત્યાંથી અમેરિકા પહોંચ્યો હતો. તેનાં પાસપોર્ટ પર પણ અન્ય માણસનું નામ હતું અને ફોટો મનીષનો હતો.
યુએસ કોર્ટે જણાવ્યું છે કે, મનીષને ૧૦ વર્ષ સુધીની જેલ અને અઢી લાખ ડોલર (અંદાજે ૧.૬૨ કરોડ રૂપિયા)નો દંડ થઇ શકે છે. કેસમાં યુએસ બોર્ડર પેટ્રોલ એન્ડ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.