વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકન અને લુસિયાનાના ગવર્નર બોબી જિન્દાલે ૨૦૧૭માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. તેમણે પોતાને ‘નક્કર કામ કરનારા’ ગણાવ્યા હતા અને બાકીના બધા ‘માત્ર વાતો કરનારા’ હોવાનું જણાવ્યું હતું. ૪૪ વર્ષીય જિન્દાલે વર્તમાન પ્રમુખ બરાક ઓબામાના હેલ્થકેર પ્લાનને પાછો ખેંચી લેવાનું વચન આપ્યું હતું.
ખંડણી આપી આતંકીના કબજામાંથી સંબંધીને છોડાવી શકાશેઃ અમેરિકા નાગરિકો હવે પોતાના બંધક પરિવારજનોને ત્રાસવાદીની પકડમાંથી મુક્ત કરાવવા ખંડણી ચૂકવી શકશે. હવે આવી રકમની ચુકવણી કરવા બદલ તેની સામે કેસ નહીં થાય. પ્રમુખ બરાક ઓબામાએ આ નવો નિયમ જાહેર કર્યો હતો. ૨૪ જૂને જાહેર થયેલી બંધક નીતિમાં જણાવાયું છે કે અમેરિકન સરકાર બંધકોના પરિવાર અને ત્રાસવાદીઓ વચ્ચે સંવાદ સ્થાપવામાં મદદ કરશે. પરંતુ સરકાર સીધી પોતે ખંડણી નહીં ચૂકવે. થોડા સમય અગાઉ બરાક ઓબામા કેટલાક બંધકોના સ્વજનોને મળ્યા હતા. તેમણે કરેલી ફરિયાદને પગલે ઓબામાએ ગયા વર્ષે ઘડેલી બંધક નીતિમાં સમીક્ષાના આદેશ કર્યા હતા.