લાસવેગાસઃ યુએસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની લાસ વેગાસમાં યોજાયેલી રેલીમાં ૧૮મી જૂને વીસ વર્ષીય બ્રિટિશ નાગરિક માઇકલ સ્ટીવન સેન્ડફોર્ડે ટ્રમ્પ પર ફાયરિંગ કરીને તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક આ યુવકની ધરપકડ કરી લીધી હતી. ૨૦મી જૂને માઈકલને કોર્ટમાં હાજર કરાયો હતો અને ૫ જુલાઇ સુધી તેને રિમાન્ડ પર રાખવામાં આવશે. લાસ વેગાસમાં માઇકલ ટ્રમ્પનો ઓટોગ્રાફ લેવાના બહાને તે ટ્રમ્પની નજીક ગયો હતો અને માઇકલે એક સુરક્ષાકર્મી પાસેથી ગન છીનવીને ટ્રમ્પ પર તાકી દીધી હતી. માઇકલે પોલીસને જણાવ્યું કે તે છેલ્લા એક વર્ષથી ટ્રમ્પની ગોળી મારીને હત્યાના પ્રયત્નો કરી રહ્યો હતો. માઇકલે કોર્ટમાં એમ પણ જણાવ્યું કે તેને અત્યાર સુધી ટ્રમ્પને ગોળી મારવાની તક મળી ન હતી. આ ઘટના બાદ ટ્રમ્પે પોતાના કેમ્પેઈન મેનેજર કોરી લેવનડોસ્કીને નોકરી પરથી હાંકી મૂક્યા હતા. માઇકલ છેલ્લા દોઢ વર્ષથી યુએસમાં રહે છે. આ યુવક બેરોજગાર છે અને પોતાની કારમાં જ રહે છે. એક એજન્સી અનુસાર આ યુવક ઓટિજ્મનો શિકાર છે અને આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કરી ચૂક્યો છે.
ટ્રમ્પ પર હુમલા પછી તેની સુરક્ષાના કારણે બીજા કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા. રેલીમાંથી પકડાયેલા યુવક સેન્ડફોર્ડે જણાવ્યું કે, તેણે આ પહેલાં ક્યારેય બંદૂક ચલાવી નથી, પરંતુ આ સભામાં ટ્રમ્પ પર ગોળી ચલાવવા માટે તે ૧૭મી જૂને લાસ વેગાસમાં ટ્રેનિંગ લેવા પહોંચ્યો હતો. રેલીમાં તેણે એક અધિકારીની ખુલ્લી બંદૂક છીનવી લીધી હતી. સેન્ડફોર્ડે કહ્યું કે તે જાણતો હતો કે ફાયરિંગના એક અથવા બે રાઉન્ડમાં ટ્રમ્પને મારી નાંખશે. માઇકલે કહ્યું કે જો તે આ રેલીમાં ટ્રમ્પની હત્યા કરવામાં નિષ્ફળ જાત તો તે ફિનિક્સમાં યોજાનારી રેલીમાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવાનો હતો. હમણાં જ કરવામાં આવેલા એક સર્વે અનુસાર ટ્રમ્પ પોતાનાં પ્રતિસ્પર્ધી હિલેરી કરતા પાછળ છે. મોટાભાગના લોકો ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટે અનુકૂળ નથી માનતા.