ન્યૂ યોર્ક: એલન મસ્કની કંપની ન્યૂરાલિંકે વિક્સાવેલી અત્યાધુનિક બ્રેઈન ચિપનું વર્ષના પ્રારંભે એક વ્યક્તિના દિમાગમાં ઇમ્પ્લાન્ટ કરાયું હતું. બ્રેઈન ચિપનું આ દુનિયાનું પ્રથમ ઓપરેશન હતું. હવે એ વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે દિમાગથી કમાન્ડ આપીને કમ્પ્યુટર ચલાવતો અને ચેસનો આનંદ માણતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે.
ન્યૂરાલિંક કંપનીએ નોલેન્ડ આર્બગ નામના 29 વર્ષના યુવાનના દિમાગમાં બ્રેઈન ચિપ ફિટ કરી હતી. જાન્યુઆરીમાં ન્યૂરાલિંકની બ્રેઈન ચિપ ધરાવતા આ યુવાનનું શરીર ગરદનથી નીચે સંપૂર્ણ પેરેલાઈઝડ થઈ ચૂકયું છે. તેને ક્વાડ્રાપ્લિઝિક નામની રેર બીમારી હોવાથી વ્હિલચેરમાં જ બેસી રહેવું પડે છે. જોકે બ્રેઈન ચિપ વડે તે દિમાગની મદદથી કમાન્ડ આપીને કમ્પ્યુટર સિસ્ટમ ઓપરેટ કરી શકે છે. ન્યૂરાલિંકે એ પ્રયોગોનો પ્રથમનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
વીડિયોમાં જોવા મળે છે એમ તે વ્યક્તિ કમ્પ્યુટરને કમાન્ડ આપે છે. ગીતને વિચાર માત્રથી પ્લે અને સ્ટોપ કરી શકે છે. તેણે કોઈ સ્થળે હાથ અડાડ્યો ન હતો. આમ પણ તે વ્યક્તિનું એટલું પણ હલનચલન કરી શકતું નથી કે તે હાથ અડાડી શકે. વળી, દિમાગથી (તેમાં ફીટ કરેલી બ્રેઈન ચીપ) વડે તે ચેસ પણ રમે છે. ઓનલાઈન ચેસમાંએ માત્ર વિચાર કરીને કમ્પ્યુટર સિસ્ટમમાં ચાલ ચાલે છે. એ વ્યક્તિની સાથે ન્યૂરાલિંકનો એક એન્જિનિયર પણ હતો. તેણે આ પ્રયોગનું મોનિટરિંગ કર્યું હતું.
ચેસ રમતી વખતે નોલેન્ડ બોલતો સંભળાય છે: આ કૂલ છે. તેણે એવુંય કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મારા દિમાગમાં આ ચિપ ઈમ્પ્લાન્ટ થઈ છે. તેણે ચેસ રમવાનો અનુભવ શેર કરતા કહ્યું કે મેં દિમાગમાં એવું વિચાર્યું કે ડાબી તરફ તો ચાલ એ પ્રમાણે મૂવ થાય છે. આગળ-પાછળ, જે જે સ્થળે હું પ્યાદા મૂકવાનું વિચારું છું એ સ્થળે પ્યાદા પહોંચી જાય છે.
આનો વીડિયો બહુ વાઇરલ થયો છે અને લાખો લોકો તે જોઇ ચૂક્યા છે. તમારે પણ આ વીડિયો નિહાળવો હોય તો આ સાથેની લિન્ક https://bit.ly/43vv93L યુટ્યુબ સર્ચ કરો. લોકોએ આ બ્રેઈન ચિપને ક્રાંતિકારી ગણાવી છે. આમ શરીર ચાલતું ન હોય તેમના માટે આ ટેકનોલોજી બહુ જ ઉપયોગી થઈ પડશે એમ બહુમતી વર્ગનું માનવું છે.