લંડન,વોશિંગ્ટનનઃ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે યુએસના ૪૫મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળનારાં પ્રથમ વિદેશી નેતા બન્યાં છે. લાલ રંગના ડ્રેસમાં સજ્જ થેરેસા મે ૨૭ જાન્યુઆરીએ જ્યારે વ્હાઈટ હાઉસ ખાતે આવ્યાં ત્યારે ખુદ ટ્રમ્પે તેમનું સ્વાગત કર્યું હતું. યુકે અને યુએસ વચ્ચે ‘વિશેષ સંબંધો’ જળવાય તેની ખાતરી મેળવવાં ઈચ્છતાં થેરેસાને પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુકે જ્યારે ઈયુમાંથી બહાર નીકળશે ત્યારે તેને વર્તમાન વેપારી શરતો સાથે જ અમેરિકા સાથે વેપાર કરવા મળશે. થેરેસા મેએ વર્ષના અંત સુધીમાં બ્રિટનની મુલાકાત લેવા ટ્રમ્પને નિમંત્રણ આપ્યું હતું તેનો યુએસ પ્રમુખે સ્વીકાર કર્યો છે. આ મુલાકાત દરમિયાન બન્ને એક બીજાના હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા.
બન્ને નેતાઓ દ્વારા શુક્રવારે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્રમ્પે યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાના બ્રિટનના નિર્ણયને પુનઃ ટેકો આપતા કહ્યું હતું કે મુક્ત અને સ્વતંત્ર બ્રિટન વિશ્વ માટે આશીર્વાદ છે અને અમારા સંબંધો ક્યારેય પણ આટલા મજબૂત ન હતા. સંયુક્ત પત્રકાર પરિષદમાં અમેરિકા અને બ્રિટન વચ્ચે સંરક્ષણના સંબંધો સૌથી વધારે મજબૂત અને ઊંડા હોવાનું જણાવતાં મેએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વેપાર કરાર બંને દેશોના રાષ્ટ્રીય હિતમાં છે. ટ્રમ્પે બ્રિટનના બ્રેક્ઝિટના નિર્ણયને વધાવ્યો હતો અને કહ્યું હતું કે હવે બ્રિટન માટે તમામ બાબતો સકારાત્મક બનશે. બંને નેતાએ કહ્યું હતુ કે તેઓ અમેરિકા અને બ્રિટનના વ્યાપારી સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસ કરશે. મે એ કહ્યું હતું કે વોશિંગ્ટન સાથેનો વેપાર કરાર બ્રેક્ઝિટની અસરને દૂર કરવા મદદ કરશે.
પત્રકાર પરિષદ પછી વ્હાઈટ હાઉસમાં લંચ દરમિયાન ઈયુના સભ્યપદના કારણે યુકેને મળતી વર્તમાન વેપારી શરતો સાથે જ અમેરિકા સાથે વેપારની ઓફર કરાઈ હતી. યુકે બ્રેક્ઝિટ માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે યુએસ સાથે વેપારી સમજૂતી ચોક્કસ થશે તેવી હૈયાધારણ મળી છે. બન્ને નેતાઓ વેપાર વાટાઘાટ સમજૂતી વિશે કાર્યવાહી આરંભવા પણ સંમત થયા હતા. લંડન અને વોશિંગ્ટન બ્રેક્ઝિટ પછી શું હાંસલ કરી શકાય તેની વિગતો ચર્ચવા જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ્સ સ્થાપશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં શું આવરી શકાય તેના પડતર મુદ્દા ઉકેલવા વેપાર વાટાઘાટ સમજૂતીનો વિચાર થયો છે. આ ઉપરાંત, ક્વોલિફિકેશન્સને આપસી માન્યતા, સેલફોન રોમિંગ ચાર્જીસ દૂર કરવા તેમજ કેટલાક કૃષિ સામાનના વેપારમાં અવરોધો દૂર કરવા સહિતની બાબતો પણ ચર્ચાઈ હતી. અમેરિકા યુકેનું સૌથી મોટુ રાષ્ટ્રીય વેપારી પાર્ટનર છે. યુએસ દર વર્ષે ૪૭.૩ બિલિયન પાઉન્ડ (૮૫ બિલિયન ડોલર)નો માલસામાન યુકે પાસેથી ખરીદે છે, જે બીજા ક્રમના મોટા પાર્ટનર જર્મનીથી ૧૭ બિલિયન પાઉન્ડ ઓછા છે.
વાતચીતમાં બ્રેક્ઝિટ મુદ્દો જ છવાયેલો રહ્યો
ટ્રમ્પ અને થેરેસાની લંચ સમયની વાતચીતમાં બ્રેક્ઝિટ મુદ્દો જ છવાયેલો રહ્યો હતો. બ્રેક્ઝિટને વિશ્વ માટે એક આશીર્વાદ ગણાવીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આનાથી બ્રિટનને એક સાચી ઓળખાણ મળશે. બન્ને નેતાએ ૧૯૮૦ના દાયકામાં તેમના દેશોના પૂર્વ નેતાઓ રોનાલ્ડ રીગન અને માર્ગારેટ થેચર વચ્ચેના સંબંધોની પણ ચર્ચા કરી હતી.
થેરેસાને સ્થાને પોર્ન સ્ટાર ટેરેસાનું નામ લખાઈ ગયું!
વ્હાઇટ હાઉસથી જારી કરાયેલા નિવેદનમાં બ્રિટનના વડા પ્રધાન થેરેસાનાં સ્પેલિંગમાં મોટી ભૂલ થઈ જવાના કારણે થેરેસા મેનાં સ્થાને પોર્ન સ્ટાર ટેરેસાનું નામ વંચાતું હતું. થેરેસા મેની યુએસ મુલાકાત સંદર્ભમાં જ વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન બહાર પડયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ વ્હાઇટ હાઉસ તરફથી ઓવલ ઓફિસમાં યોજાનારી દ્વિપક્ષીય બેઠક, લંચ અને સંયુક્ત પત્રકાર પરિષદ અંગે નિવેદન બહાર પાડતી વખતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટાફે થેરેસાને સ્થાને ટેરેસા ઉચ્ચારણ કર્યું હતું. નિવેદનમાં કહેવાયું હતું કે, બપોરે પ્રમુખ ટ્રમ્પ બ્રિટનના વડા પ્રધાન ટેરેસા મે સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. નિવેદનમાં બે વાર થેરેસાને સ્થાને ટેરેસા શબ્દનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટેરેસા મે ગ્લેમર અને પોર્ન અભિનેત્રી છે. ગયા વર્ષે જુલાઈમાં થેરેસા મે બ્રિટનનાં વડા પ્રધાન બન્યાં ત્યારે પણ પોર્ન સ્ટાર ટેરેસા મે ટ્વિટર પર ટ્રેન્ડમાં આવી ગઇ હતી.
બ્રિટનના મુસ્લિમ સાંસદને અમેરિકામાં અટકાવાયા
ટ્રમ્પ દ્વારા મુસ્લિમ દેશોના નાગરીકોના અમેરિકામાં પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ હવે અન્ય બિન મુસ્લિમ દેશો દ્વારા પણ થઇ રહ્યો છે. બ્રિટનના વર્તમાન સત્તાપક્ષ કન્ઝર્વેટિવના સાંસદ નદીમ ઝહાવી મુસ્લિમ હોવાથી તેમને અમેરિકાના એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. આ અંગેની માહિતી તેમણે જ ટ્વિટર વડે આપી હતી. ઇરાકમાં જન્મેલા હોવાથી તેની સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે જે તે દેશની સરકારને દેશની વિઝા નીતિ ઘડવાનો અધિકાર હોય છે. પણ અમેરિકા દ્વારા હાલ લેવાયેલા પગલાંનું અમે સમર્થન કરતા નથી. આ પ્રકારના નિર્ણયો અયોગ્ય છે.
ટ્રમ્પની મુલાકાત રદ કરવાની પિટિશન
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચોક્કસ દેશોના મુસ્લિમો પર અમેરિકામાં પ્રવેશબંધી જાહેર કરાયાના પગલે તેમની બ્રિટનની સત્તાવાર મુલાકાત રદ કરવાની પિટિશન પર માત્ર ૩૬ કલાકમાં દસ લાખથી વધુ લોકોએ સહી કરી છે. ટ્રમ્પની યુકે મુલાકાત ક્વીન માટે ક્ષોભજનક બની રહેવાનો દાવો કરતી આ પિટિશન પર સાંસદોએ ચર્ચા કરવાની થશે. વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું જ છે કે તેઓ આવા નિયંત્રણો સાથે સંમત નથી.
જોકે, વડા પ્રધાનની ઓફિસે આ પિટિશનને લોકરંજક ચેષ્ટા ગણાવી ટ્રમ્પની મુલાકાત રદ કરવાની માગણી ફગાવી દીધી છે. ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કહેવાયું હતું કે સત્તાવાર મુલાકાત રદ કરવાથી વડા પ્રધાન થેરેસાએ વોસિંગ્ટનમાં જે હાંસલ કર્યું છે તે બધા પર પાણી ફરી વળશે.
ટોરી ઉમરાવ બેરોનેસ વારસી, સ્કોટિશ ટોરી નેતા રુથ ડેવિડસન, લેબર નેતા જેરેમી કોર્બીન તથા લિબ ડેમ નેતા ટીમ ફેરોન સહિતના વરિષ્ઠ નેતાઓ પણ ટ્રમ્પની મુલાકાત મુલતવી રાખવાની માગણીમાં જોડાતાં થેરેસા મે પર રાજકીય દબાણ વધી ગયું છે. લંડનના મુસ્લિમ મેયર સાદિક ખાને ચેતવણી આપી હતી કે ટ્રમ્પની પ્રવેશબંધી નીતિ આતંકવાદને ઉત્તેજન આપશે. ખાને જણાવ્યું હતું કે લંડનવાસીઓ પ્રમુખ ટ્રમ્પ માટે લાલ જાજમ પાથરવાને સમર્થન નહિ આપે.
દરમિયાન, યુએસ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે સાત મુસ્લિમ દેશોમાંથી નાગરિકોને ૯૦ દિવસ માટે યુએસમાં પ્રવેશતા અટકાવતો પ્રમુખનો આદેશ આ પ્રતિબંધિત દેશોમાંથી કોઈનું દ્વિનાગરિકત્વ ધરાવતા બ્રિટિશ નાગરિકોને લાગુ પડશે નહિ.