વોશિંગ્ટનઃ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે ચાર દિવસના યુએસ પ્રવાસ દરમિયાન બે મહત્ત્વના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમનો આ પ્રવાસ દ્વિપક્ષીય રક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. રાજનાથ સિંહના આ પ્રવાસ દરમિયાન ભારત-અમેરિકાએ બે મુખ્ય રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં અમેરિકા અને ભારત રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપતી વસ્તુઓ, જેમ કે મહત્ત્વપૂર્ણ સામાન, ખનિજ અને ટેક્નોલોજીનું આદાનપ્રદાન કરવા માટે સહમત થયા છે. આ સમજૂતી દ્વિપક્ષીય રક્ષા સંબંધોને વેગ આપવા ઉપરાંત બંને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થશે. આ કરાર અમેરિકન રક્ષા વિભાગ અને ભારત સરકારના રક્ષા મંત્રાલય વચ્ચે થયો છે.
ભારતીય ડાયસ્પોરા ‘લિવિંગ બ્રિજ’
રાજનાથ સિંહે તેમના યુએસ પ્રવાસના અંતિમ દિવસે રવિવારે ભારતીય ડાયસ્પોરાને બે દેશોને જોડતો ‘લિવિંગ બ્રીજ’ ગણાવ્યો હતો. એમ્ફેસિસ, એટલાન્ટા, નેશવિલ અને આસપાસના વિસ્તારમાં વસતાં ભારતીય સમુદાયને સંબોધતાં રાજનાથ સિંહે ભારતીય સમુદાયની સિદ્ધિઓની સાથોસાથ સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં તેમના પ્રદાનને બિરદાવ્યું હતું.