નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. હાલમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા અમેરિકાની ધરતી પર ભારત વિરોધી પ્રવૃત્તિઓ થઇ રહી છે ત્યારે યોજાઇ રહેલી આ બેઠક મહત્વની મનાય છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બન્ને દેશો આતંકવાદનો સામનો કરવા તેમજ દરિયાઇ અને સાયબર સિક્યોરિટી સહકાર વધારવા માટે પ્રતિબદ્ધ છે.
મોદીએ પ્રમુખ ટ્રમ્પને હાર્દિક શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે તેઓ અને ભારતના 1.4 બિલિયન લોકો આ વર્ષના અંતમાં ભારતમાં તેમનું (ટ્રમ્પ) સ્વાગત કરવા આતુર છે. મોદીએ વધુમાં ઉમેર્યું કે તુલસી ગબાર્ડને ભારતમાં આવકારતાં ખુશી થાય છે. અમે ભારત-અમેરિકા વચ્ચે સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવવા પર અભિપ્રાયોની આપલે થઇ છે. હાલમાં સૌથી સ્ફોટક મુદા ટેરિફ વિશે ગબાર્ડે કહ્યું હતું કે આ મામલે કોઇ ચિંતાની વાત નથી. ભારત અને અમેરિકા આ મુદે સીધી ચર્ચા કરે છે. બન્ને દેશો વચ્ચે આર્થિક સહકાર મજબૂત બનાવવાની તક છે.
છેલ્લાં થોડાક દિવસોમાં ભારતીય અધિકારીઓ પાસેથી મેં જે કંઇ પણ સાંભળ્યું છે તે જોવાની અહીં તક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી આ મામલે યોગ્ય ઉકેલ જોઇ રહ્યા છે. આપણી પાસે સૌથી હકારાત્મક બાબત એ છે કે બન્ને નેતાઓ વચ્ચે કોમન સેન્સ છે અને તેઓ સારો ઉકેલ જોઇ રહ્યા છે. આ સીધો વાર્તાલાપ બન્ને દેશોમાં અત્યંત ટોચ પર થઇ રહી છે.