વોશિંગ્ટન: ભારત-ચીન વચ્ચે વાસ્તવિક અંકુશરેખા (એલએસી) પર તંગદિલી હજુ પણ યથાવત છે. ચીનની હરકતો અને નાપાક મનસૂબાને ધ્યાનમાં રાખીને ભારત ચીન સરહદે પોતાની સ્થિતિ સતત મજબૂત કરી રહ્યું છે. સૈન્ય પૂર્વ લદાખ જેવા ઊંચાઇ પરના ક્ષેત્રોમાં સૈનિકોને મોબાઈલ (સ્વચાલિત) બખ્તરબંધ સુરક્ષા વાહનો પૂરા પાડવા માટે કાર્યરત છે. દરમિયાન અમેરિકાએ સંકેત આપ્યો છે કે આઠ વ્હીલવાળા બખ્તરબંધ વાહન ‘સ્ટ્રાઈકર’નું નવું વર્ઝન ભારત અને અમેરિકા સાથે મળીને બનાવે તે દિશામાં વાત આગળ વધી છે. અમેરિકી નાયબ વિદેશપ્રધાન કેમ્પબેલના જણાવ્યા પ્રમાણે બંને દેશો વચ્ચે નવી દિલ્હીમાં થયેલી બેઠકોમાં આ દિશામાં વાતચીત થઈ છે.