વોશિંગ્ટનઃ અમેરિકી સંસદે ભારતને અમેરિકાનું ગ્લોબલ સ્ટ્રેટેજિક અને ડિફેન્સ પાર્ટનર માન્યો નથી. ભારત અને અમેરિકાના સંબંધો અંગે ગામ ગજવતા અને પોતાના મિત્ર બરાક સાથે ઘનિષ્ટ સંબંધો હોવાનો ડોળ કરતા મોદીને મોટો ફટકો પડયો છે. મોદી અમેરિકી કોંગ્રેસને સંબોધન કરીને સ્વદેશ પરત ફર્યા બાદ અમેરિકી સાંસદ જોન મેક્કેને નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટમાં સુધારા કરીને ભારતને અમેરિકાનું ગ્લોબલ સ્ટ્રેટેજિક એન્ડ ડિફેન્સ પાર્ટનર બનાવવાની માગ કરી હતી.
અમેરિકાએ પણ ભારતના વડા પ્રધાન મોદી અને ઓબામાની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, અમેરિકા ભારતને પોતાનો મોટો ડિફેન્સ પાર્ટનર માને છે. અમેરિકાએ ભારતને સંરક્ષણ ક્ષેત્રે વેપાર અને ટેક્નોલોજીને ટ્રાન્સફર કરવાનું પણ સમર્થન કર્યું હતું. આ રીતે ભારતને અમેરિકાનો સૌથી મોટો ભાગીદાર માનવામાં આવે તેમ હતો. આ બાબતોને ધ્યાનમાં રાખીને જ સેનેટમાં ખરડો પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતે આ મુદ્દે ધાર્યું પરિણામ મેળવ્યું નથી.