વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ચોથી એપ્રિલે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઇક થાય એની અમેરિકા રાહ જોઇ શકે નહીં. બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા અમેરિકા માર્ગ કાઢવા પ્રયાસમાં છે. આ જોતાં કહી શકાય કે, ટ્રમ્પ પોતે જ પ્રયાસમાં છે કે, અમેરિકા બંને દેશો વચ્ચે મંત્રણા પહેલાં જ વિવાદિત મુદ્દા ઉકેલવા માટે ભાર મૂકી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના એમ્બેસેડર નિક્કી હેલીએ કહ્યું હતું કે, એ યોગ્ય છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો અંગે ચિંતા રાખે છે. જોકે બંને દેશો વચ્ચેના વિવાદોને આગળ વધતા રોકવા અમેરિકા ક્યા પ્રકારની ભૂમિકા ભજવી શકે છે? એ જોવાનું રહ્યું, પણ મને આશા છે કે અમેરિકન સરકાર બંને દેશો સાથે વાતચીત કરીને વિવાદો ઉકેલવા અને તણાવ ઓછો કરવા માટે પ્રયાસ કરશે.
ભારત વલણ નહીં બદલે
ભારતે આ મામલે અમેરિકાને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, ઇન્ડિયાનું પાકિસ્તાન સાથેના વાદવિવાદો અને મુદ્દાઓ અંગે વલણ સ્પષ્ટ છે અને તેમાં કોઈ ફેરફારની શક્યતા નથી. ભારતે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે વાતચીતને લઈને પોતાના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ભારત ઈચ્છે છે કે પાકિસ્તાન સાથે વિભિન્ન મુદ્દે દ્વિપક્ષીય વાતચીત આતંકવાદ અને હિંસામુક્ત વાતાવરણમાં થાય.