ભારત મહાન દેશ છે, અદ્ભૂત લોકતંત્ર છેઃ સુનીતા વિલિયમ્સ

Wednesday 02nd April 2025 05:42 EDT
 
 

વોશિંગ્ટનઃ ‘નાસા’ના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરિક્ષથી પરત આવ્યાં પછી પહેલી વખત પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં સુનીતા વિલિયમ્સે અંતરિક્ષથી પૃથ્વી પર આવવા વિશે તથા ભારતની મુલાકાત લેવા વિશે પણ વાત કરી હતી. ભારત સંદર્ભે પૂછાયેલા એક પ્રશ્ન સદંર્ભે તેમણે કહ્યું હતું કે ભારત એક મહાન દેશ છે, અને પિતાના દેશની મુલાકાત માટે બહુ ઉત્સુક છે. સુનીતા અને તેમના સાથી અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને નિક હેગે ટેક્સાસના જોનસન સ્પેસ સેન્ટર ખાતે મીડિયા સાથે વાત કરી.
પત્રકારો સાથેની વાતચીતમાં સુનીતા વિલિયમ્સે પૃથ્વી પર પરત ફર્યા બાદ તેમની સમક્ષ સર્જાયેલા શારીરિક પડકારો અંગે કહ્યું હતું, ‘આ ખરેખર એક ચમત્કાર જેવું છે કે આપણું શરીર કઈ રીતે બદલાવ પ્રમાણે પોતાની જાતને ઢાળી લે છે. હું પાછી આવી, ત્યારે પહેલા દિવસે અમે બધાં લથડિયાં ખાતાં હતાં. પરંતુ કમાલની વાત છે કે માત્ર 24 કલાકમાં આપણી નર્વસ સિસ્ટમ કામ કરવા લાગે છે. આપણું મગજ સમજી જાય છે કે શું ચાલી રહ્યું છે.’
આ પત્રકાર પરિષદમાં સુનીતા વિલિયમ્સને ભારત વિશે પણ સવાલ પૂછવામાં આવ્યાં હતાં. તેમણે જવાબ આપ્યો કે, ‘ભારત એક શાનદાર દેશ છે. અમે જેટલી વખત હિમાલય પરથી પસાર થયાં ત્યારે બુચ વિલ્મોરે ત્યાંના અત્યંત સુંદર દૃશ્યોને પોતાનાં કેમેરામાં કેદ કરી લીધાં હતાં.’
ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર નવ માસ પછી 19 માર્ચે પૃથ્વી પર પરત આવ્યાં હતાં. બંને અવકાશયાત્રી 286 દિવસ સુધી સ્પેસમાં રહ્યાં અને 900 કલાક જેટલું સંશોધનકાર્ય કર્યું, આ દરમિયાન તેમણે 150 જેટલા વૈજ્ઞાનિક પ્રયોગ પણ કર્યાં હતાં.
સુનીતાઅને બુચ વિલ્મોર જૂન, 2024માં બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યૂલની પરીક્ષણલક્ષી ઉડાણના ભાગરૂપે આઈએસએસ પહોંચ્યાં હતાં. જે બાદ કેપ્સ્યૂલમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંનેએ લગભગ નવ માસ સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જ રહેવું પડ્યું હતું. બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યૂલની મદદથી ધરતી પર ક્ષેમકુશળ લાવવામાં આવ્યાં હતાં. આ માટે 17 કલાકની પડકારજનક મુસાફરી ખેડી હતી.
સુનીતાનું માદરે વતન ઝુલાસણ
આ પછી ગુજરાતના મહેસાણામાં સુનીતાના પૈતૃક ગામ ઝુલાસણમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સુનીતાના પિતા દીપકભાઈ પંડ્યાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 1953માં ઇન્ટરમિડિયેટ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને વર્ષ 1957માં એમડી થયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ દીપકભાઈએ ક્લીવલેન્ડ ખાતે મેડિસિનમાં પોતાની ઇન્ટર્નશિપ અને રેસિડન્સી પૂરી કરી હતી.
સુનીતાનાં માતા ઉર્સુલિન બોની ઝાલોકર સ્લોવેનિયન મૂળના અમેરિકન છે. સુનીતા તેમના પતિ માઇકલને નેવલ એકેડમી ખાતે મળ્યાં હતાં. બંને નેવીના તાલીમબદ્ધ પાઇલટ છે. દંપતીને કોઈ સંતાન નથી. તેમની પાસે 30 પ્રકારનાં વિમાનોમાં ત્રણ હજાર કલાકનાં ઉડ્ડયનનો અનુભવ છે. વર્ષ 1998માં એસ્ટ્રોનોટ પ્રોગ્રામમાં જોડાયાં. જે બાદ તેમણે ટેકનિકલ બ્રીફિંગ, ફિઝિયોલોજિકલ ટ્રેનિંગ અને વોટર એન્ડ વીલ્ડરનેસ સર્વાઇવલ ઇન્સ્ટ્રક્શન હાંસલ કર્યાં હતાં. તાજેતરની પોતાની અવકાશયાત્રા દરમિયાન કરેલી સ્પેસવોક સહિત તેઓ પોતાના નામે કોઈ પણ મહિલા એસ્ટ્રોનોટ દ્વારા સૌથી વધુ સ્પેસવોક કરવાનો રેકોર્ડ ધરાવે છે. તેઓ અત્યાર સુધી 62 કલાક છ મિનિટ સુધી સ્પેસવોક કરી ચૂક્યાં છે.
‘હું ભારતની મુલાકાતે આવીશ’
સુનીતાએ એક પત્રકારના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે હું ભારતની મુલાકાતે આવીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે અવકાશમાંથી હિમાલય જોવાનો અનુભવ શાનદાર રહ્યો. તો પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો. સુનીતાએ કહ્યું હતું કે ભારત એક મહાન દેશ અને એક અદ્ભુત લોકતંત્ર છે, જે સ્પેસ દેશોમાં પોતાનું સ્થાન બનાવવા માગે છે. અમને એનો ભાગ બનવાનું ગમશે.
‘હિમાલયનો નજારો અદભૂત હતો’
સુનિતા વિલિયમ્સે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભારત અદ્ભુત છે. અમે જ્યારે પણ હિમાલય પાર કરતા, ત્યારે બુચ હિમાલયના અદ્ભુત ફોટા પાડતા હતા. અવકાશમાંથી હિમાલયનો નજારો અદભુત છે. એવું લાગતું હતું કે ભારતમાં મોજાં ઊછળી રહ્યાં છે અને નીચેની તરફ વહી રહ્યાં છે. ભારતમાં અનેક રંગો છે. જેમ જેમ તમે પૂર્વથી પશ્ચિમ તરફ જાઓ છો, તેમ તેમ દરિયાકિનારા પર માછીમારી બોટોનો કાફલો ગુજરાત અને મુંબઈના આગમનનો સંકેત આપે છે. મોટાં શહેરોથી લઈને નાનાં શહેરો સુધી, સમગ્ર ભારતમાં લાઇટનું નેટવર્ક દેખાય છે, જે રાત્રે અદ્ભુત લાગે છે. દિવસ દરમિયાન હિમાલય જોવાનું અદ્ભુત હતું.
‘ભારત સાથે અનુભવ વહેંચવા તત્પર’
તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું ચોક્કસ મારા પિતાના દેશ, ભારત જઈશ. ત્યાંના લોકો ભારતીય અવકાશયાત્રી વિશે ઉત્સાહિત છે જે ટૂંક સમયમાં એક્સિઓમ મિશન પર જશે. આ ખૂબ સરસ છે. તેઓ તેમના દૃષ્ટિકોણથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કેટલું અદ્ભુત છે તે વિશે વાત કરી શકશે. મને આશા છે કે હું ક્યારેક તેમને મળીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter