ભારત સમર્થક માઈક વોલ્ટ્ઝઃ નવા નેશનલ સિક્યુરિટી એડવાઈઝર

Thursday 14th November 2024 04:39 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના સાંસદ માઈક વોલ્ટ્ઝને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, આ નિર્ણયથી વાકેફ બે સૂત્રોએ આ માહિતી આપી છે.
માઈક વોલ્ટ્ઝને ચીન-ઈરાન વિરોધી અને ભારતના સમર્થક માનવામાં આવે છે. તેમણે ચીન પર અમેરિકાની નિર્ભરતા ઘટાડવા સંબંધિત ઘણા બિલોનું સમર્થન કર્યું છે.
વોલ્ટ્ઝ યુએસ આર્મીના સ્પેશિયલ યુનાઈટેડ ફોર્સમાં ‘ગ્રીન બેરેટ કમાન્ડો’ રહી ચૂક્યા છે અને તે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે પણ લડ્યા છે. તેમણે અફઘાનિસ્તાનમાંથી બાઈડેન સરકારના સૈન્ય પરત ખેંચી લેવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો. તેમણે મિડલ-ઈસ્ટ અને આફ્રિકામાં પણ સેવા આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં ચાર NSA બદલ્યા હતા. પ્રથમ સલાહકાર જનરલ મેકમાસ્ટર માત્ર 22 દિવસ જ પદ પર રહ્યા હતા.
ઈન્ડિયા કોકસ સાથે જોડાયેલા છે વોલ્ટ્ઝ
ઈન્ડિયા કોકસ એ અમેરિકન સાંસદોનું એક ગ્રૂપ છે, જે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કામ કરે છે. તે 2004માં ન્યૂ યોર્ક સેનેટર હિલેરી ક્લિન્ટન (ડેમોક્રેટ) અને સેક્રેટરી ઓફ સ્ટેટ જોન કોર્નિન (રિપબ્લિકન) દ્વારા બનાવવામાં આવ્યું હતું. ભારતના મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ભારતીય-અમેરિકન સમુદાયના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે યુએસ સંસદમાં ઈન્ડિયા કોકસ એક મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે. ઈન્ડિયા કોકસમાં હાલમાં 40 સભ્યો છે.
ઈન્ડિયા કોકસમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. તેના સભ્યો નિયમિતપણે ભારતીય નેતાઓ સાથે મુલાકાત કરે છે અને ભારત સંબંધિત બાબતો પર યુએસ સરકારને સલાહ આપે છે. વોલ્ટ્ઝ ઈન્ડિયા કોકસના સહ અધ્યક્ષ છે અને ભારત સાથે મજબૂત સંબંધો જાળવવાના પક્ષમાં છે. વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધvર્યું હતું. વોલ્ટ્ઝે તેમના ભાષણની વ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે જ હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીને મોદીને આમંત્રણ આપવાની અપીલ કરી હતી.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના સાંસદ માઈક વોલ્ટ્ઝને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, આ નિર્ણયથી વાકેફ બે સૂત્રોએ આ માહિતી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter