વોશિંગ્ટનઃ ભારતની લોકસભા ચૂંટણીના લોકપ્રિય બનેલા નારા મોદી હૈ તો મુમકિન હૈનો ઉલ્લેખ કરતાં અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પીઓએ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકાર અને ટ્રમ્પ સરકાર પાસે આ સંબંધો નવા સ્તરે લઈ જવાની અદ્ભુત તક છે. યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની ઈન્ડિયા આઇડિયાઝ સમિટને સંબોધન કરતાં પોમ્પીઓએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું તે પ્રમાણે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ એટલે કે મોદી છે તો બધું સંભવ છે. હું એ જોવા માગું છું કે, બે દેશની જનતા વચ્ચે શું સંભવિત છે.
જૂન મહિનામાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથેની મંત્રણાઓમાં બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય તે માટેની કેટલીક મહત્ત્વની તકો અને વિચારો રજૂ કર્યાં હતા. ભારતની મુલાકાત અંગે સંકેત આપતાં પોમ્પીઓએ જણાવ્યું હતું કે, હું દૃઢપણે માનું છું કે, બંને દેશ પાસે તેમની જનતા, ઇન્ડો-પેસિફિક રિજિયન અને વિશ્વની સુખાકારી માટે સાથે મળીને આગળ વધવાની અદ્ભુત તક આવીને ઊભી છે. અમેરિકી વિદેશ પ્રધાન પોમ્પીઓ ૨૪ જૂનથી ૩૦ જૂન સુધી એશિયાના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ભારત ઉપરાંત શ્રીલંકા, જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ ચાર દેશોની મુલાકાત દ્વારા અમેરિકા ભારત-પ્રશાંત વિસ્તારમાં વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા માગે છે.