ન્યૂ યોર્કઃ ભારતમાંથી ચોરાયેલી એક હજાર વર્ષ જૂની મૂર્તિઓ અમેરિકાની વિખ્યાત નીલામી ગૃહ ક્રિસ્ટીઝમાંથી મળી આવી છે. મૂર્તિઓની શોધખોળ કરતી ટીમે હરાજી પહેલાં જ બે મૂર્તિઓ જપ્ત કરી લીધી છે.
ભારત માટે સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતી અતિકિમતી મૂર્તિઓ ચોરવામાં ભારતના તસ્કરો પણ સામેલ છે. એ મૂર્તિઓ શોધવા માટે ભારતની તપાસ ટૂકડી ઉપરાંત ઈન્ટરપોલની મદદ લેવાઈ હતી. તપાસ દરમિયાન હોમલેન્ડ સિક્યુરિટી ઈન્વેસ્ટિગેશન અને મેનહટન ડિસ્ટ્રીક્ટ એટોર્ની કાર્યાલયે વિખ્યાત હરાજી ગૃહ ક્રિસ્ટ્રીમાંથી આ મૂર્તિઓ પકડી પાડી હતી.
મૂર્તિઓ ૮મી અને ૧૦મી સદીની હોવાનું કહેવાય છે. આ મૂર્તિઓ બલૂઆ પથ્થરોમાંથી બની છે. આ મૂલ્યવાન મૂર્તિઓ શોધવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ ચલાવાઈ રહી હતી. ક્રિસ્ટી સુધી આ મૂર્તિઓ કઈ રીતે પહોંચી તેની તપાસ આગામી દિવસોમાં હાથ ધરાશે.
એક મૂર્તિ જૈન તીર્થંકર ઋષભદેવની છે અને બીજી મૂર્તિ પ્રતિહાર કાલીનની છે. તેની કિંમત લગભગ રૂ. ત્રણ કરોડ અંકાઈ છે. ૧૫ માર્ચે થનારી હરાજીમાં ક્રિસ્ટ્રી આ મૂર્તિઓને વેચવાની હતી. ઋષભદેવની મૂર્તિ ૨૦૦૬-૦૭ દરમિયાન બૈંડન લિંચને તસ્કરોએ વેચી હોવાનો અંદાજ તપાસ ટીમે લગાવ્યો છે. આ હાઈપ્રોફાઇલ મૂર્તિઓની ચોરીમાં ભારતના ક્યા તસ્કરોનો હાથ છે અને તેમાં ક્યું મોટું નેટવર્ક કામ કરે છે તે તપાસ કરવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.