વોશિંગ્ટનઃ ભારતને સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનરનો દરજ્જો આપતું બિલ બુધવારે રિજેક્ટ કર્યાને કલાકો પણ નહોતા વીત્યા ત્યાં અમેરિકાએ ફરીથી ભારતની પીઠમાં ખંજર ભોંક્યું છે. ગુરુવારે યુએસ કોંગ્રેસે પાકિસ્તાનની મદદ કરવા માટે ૮૦ કરોડ ડોલરની જંગી સહાય આપતું નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન બિલ પસાર કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે, પાકિસ્તાન સિક્યોરિટી એન્હાન્સમેન્ટ ઓથોરાઇઝેશન હેઠળ આ બિલ પસાર કરાયું છે અને આમ પાકિસ્તાનને અંદાજે ૫,૪૦૦ કરોડ રૂપિયા અપાશે.
વિદેશી કૂટનીતિના તજજ્ઞો વચ્ચે આ બિલ પસાર થવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકી સાંસદ જ્હોન મેક્કેને ભારતને સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનર ગણાવતું બિલ રજૂ કર્યું હતું, જેને બુધવારે સંસદે ફગાવી દીધું હતું. જ્યારે આ જ મેક્કેનના પાકિસ્તાનને આર્થિક સહાય કરવાનાં બિલને સંસદે ગુરુવારે પસાર કરી દીધું હતું. સૂત્રોમાં ચર્ચા છે કે મેક્કેન ખરેખર ભારતને સાથી બનાવવા માગતા હતા કે તેમણે રજૂ કરેલાં બિલમાં અનેક ભૂલો અને ખામીઓ હતી.
પાકિસ્તાન ખૂબ જ જૂનું સાથીદાર: અમેરિકા
અમેરિકાએ પાકિસ્તાનને પોતાનું ખૂબ જ જૂનું સાથીદાર ગણાવ્યું છે. ડિફેન્સ બિલના આ ડ્રાફ્ટમાં જણાવાયું હતું કે, પાકિસ્તાન સાથે અમેરિકાના વર્ષોજૂના સંબંધ છે. પાકિસ્તાન સાથે સંબંધો વધારે મજબૂત કરવાની અને જાળવી રાખવાની જરૂર છે. આ કારણે જ અમેરિકાએ ૮૦ કરોડ ડોલરની સહાય જાહેર કરી છે. આ હેઠળ ૩૦ કરોડ ડોલર માત્ર હક્કાની નેટવર્ક સામે લડવા માટે જારી કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ સીએસએફ (કો-એલિશન સપોર્ટ ફંડ) હેઠળ ૨૦૧૩થી અત્યાર સુધીમાં પાકિસ્તાનને ૨૦૮ બિલિયન રૂપિયાની મદદ કરી છે.
મોદીની કૂટનીતિ નિષ્ફળ?
આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિના જાણકારો આ સ્થિતિને ભારતની કૂટનીતિની નિષ્ફળતા તરીકે જોઈ રહ્યા છે. તેઓ માને છે કે, અમેરિકાની નજીક જવાની લાયમાં મોદી સરકારે પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધોમાં ખટાશ ઊભી કરી. બીજી તરફ, ભારતનું વર્ષોજૂનું સાથીદાર ગણાતું રશિયા પણ હવે અંતર જાળવતું થયું છે. એનએસજીમાં સ્થાન મેળવવા માટે ધમપછાડા કરી રહેલા ભારતીય વડા પ્રધાન વિદેશી કૂટનીતિને યોગ્ય રીતે સમજી શક્યા નથી અથવા અમલી કરી શક્યા નથી તેવી ચર્ચા ચાલી રહી છે.