નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં મહારાષ્ટ્ર ચૂંટણીનો સંદર્ભ આપતા આરોપ મૂક્યો છે કે ભારતીય ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી શનિવારે અમેરિકા પહોંચ્યા છે. તેમણે રવિવારે એક કાર્યક્રમને સંબોધતા આ આરોપ મૂક્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે જારી કરેલા આંકડા અનુસાર સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધીમાં 65 લાખ મતદારોએ મતદાન કર્યુ હતું. આટલા સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું મતદાન કેન્દ્ર પહોંચી વોટ નાંખવો શક્ય નથી.
એક મતદારને મતદાન કરવામાં લગભગ 3 મિનિટ લાગે છે. આ સમયને આધારે ગણતરી કરાય તો મતદારોની લાઇન મોડી રાતે બે વાગ્યા સુધી લાગેલી રહેવી જોઇએ પણ વાસ્તવમાં આટલા મોડે સુધી લાઇનો લાગી ન હતી. રાયબરેલીથી કોંગ્રેસના સાંસદે જણાવ્યું હતું કે જ્યારે અમે વીડિયોગ્રાફી માટે જણાવ્યું તો તેમણે ઇનકાર કર્યો અને તેમણે કાયદો પણ બદલી નાખ્યો જેથી અમને વીડિયોગ્રાફીની મંજૂરી ન મળે.
ગાંધીએ જણાવ્યું હતું કે આ અમારા માટે સ્પષ્ટ છે કે ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે અને સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે. મેં અનેક વખત આ વાત જણાવી છે.
રાહુલ ગાંધી દેશદ્રોહીઃ ભાજપ
ચૂંટણી પંચ વિરુદ્ધ આ ટિપ્પણી કરવા બદલ ભાજપે રાહુલ ગાંધીને દેશદ્રોહી ગણાવ્યા છે. ભાજપે કોંગ્રેસ સાંસદ પર નેશનલ હેરોલ્ડ કેસમાં ઇડીની કાર્યવાહી અંગે ચૂંટણી પંચ પર ગુસ્સો કાઢવાનો આરોપ મૂક્યો હતો.