નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક કાર નિર્માતા અમેરિકન કંપની ટેસ્લાની કાર ટૂંક સમયમાં ભારતના રસ્તાઓ પર દોડતી નજરે પડશે. સૂત્રો અનુસાર કેટલાક મહિનાની અંદર જ ટેસ્લાની ઈલેક્ટ્રિક કારની પ્રથમ બેચ મુંબઇની પાસે બંદર પર ઉતરી શકે છે. ટેસ્લાએ આ વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ત્રણ પ્રમુખ શહેરો મુંબઇ, દિલ્હી અને બેંગ્લૂરુમાં આ કારનું વેચાણ શરૂ કરવાની યોજના બનાવી છે.
ટેસ્લાના ભારતમાં આગમનને લઈને ઉત્સુકતા વધી છે. કંપનીએ ભારતમાં કર્મચારીઓની ભરતી શરૂ કરી છે. જાણકારો મતે કારના વેચાણ માટે એક બુકિંગ પોર્ટલ પણ લોન્ચ કરાશે. ટેસ્લાના લાંબા સમય સુધી એક્ઝિક્યુટિવ રહેલા પ્રશાંત મેનન પૂણેમાં એક ઓફિસથી ટેસ્લાની સ્થાનિક કામગીરીનું સંચાલન કરી રહ્યા છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રામાં થયેલી સમજૂતી બાદ ઓછા ટેરિફ (15 ટકા) અંતર્ગત આયાત થનારી કારની સંખ્યા 8થી વધીને 50 હજાર થવાની શક્યતા છે. અન્ય વિકલ્પો પર પણ વિચાર કરાઇ રહ્યો છે. પહેલા દેશમાં આયાત કરાતી 40,000 ડોલરથી મોંઘી કાર પર 110 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી, જેને ઘટાડીને સરકારે 70 ટકા કરી છે. સરકાર સાથે સમજૂતી કરાર કરવા પર 35,000 હજારથી મોંઘી કાર પર 15 ટકા ડ્યૂટી લાગશે. જોકે શરત એ છે કે 8000થી ઓછા ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરાય. ઓછા ટેરિફને કારણે ટેસ્લાને મોટો લાભ મળ્યો છે.