ગત વર્ષની સામાન્ય ચૂંટણીઓ બાદ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાનું સ્તર કથળ્યું છે, તેમ યુએસના સેનેટર્સે જણાવ્યું હતું. બરાક ઓબામાએ જ્યારે જાન્યુઆરીમાં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે તેમના ભાષણમાં પણ કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા અમારી વિદેશ નીતિનો એક અગત્યનો ભાગ છે. થોડા સમય અગાઉ બરાક ઓબામાએ પણ જણાવ્યું હતું કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાનું સ્તર નીચે ગયું છે. સંસદની સબ કમિટીની બેઠકમાં વોશિંગ્ટનસ્થિત ક્રિશ્ચિયન કન્ઝર્વેટિવ ગ્રૂપ ફેમિલી રિસર્ચ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ટોની પર્કિન્સે જણાવ્યું હતું કે ભારતમાં માત્ર ખ્રિસ્તીઓ સાથે જ નહીં પરંતુ અન્ય લઘુમતી કોમો સાથે કેવો વ્યવહાર થાય છે તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.
લાંચ લેવા બદલ ભારતીય તબીબની ધરપકડઃ યુએસમાં ઈલિનોઈ ખાતેના એક ભારતીય તબીબ-નીલ શર્માની લાંચ લેવાના આરોપસર ધરપકડ થઇ છે. આ તબીબ સારવાર માટે દર્દીઓને રિફર કરવાના બદલામાં વળતર મેળવતા હતા.