ઓટ્ટાવાઃ કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતનું નામ સંડોવ્યા બાદ બંને દેશના સંબંધો એકદમ તળીયે પહોંચી ગયા છે. આવા સમયમાં ટ્રુડો સરકારે પહેલી વખત એક ખાલિસ્તાની આતંકી અર્શ ડાલાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અર્શ ડાલા છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. અર્શ ડાલા ગયા વર્ષે સરેમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરનો સાથી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત કેનેડા પોલીસે બ્રોમ્પ્ટનમાં હિન્દુ મંદિરમાં હુમલામાં સંડોવણી બદલ ઈન્દરજિત ગોસાલની પણ ધરપકડ કરી છે, જે પન્નુનો વિશ્વાસુ હોવાનું મનાય છે.
કેનેડા પોલીસે મિલ્ટન શહેરમાં 27-28 ઓક્ટોબરે ગોળીબારની એક ઘટનાના સંદર્ભમાં ખાલિસ્તાની આતંકી અર્શ ડાલા ઉર્ફે અર્શદીપની ધરપકડ કરી છે. કેનેડાની હોલ્ટન રિજનલ પોલીસ સર્વિસ (એચઆરપીસી) એક પખવાડિયા પહેલાં મિલ્ટનમાં થયેલા ગોળીબારની તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં અર્શદીપની ધરપકડ કરીને પૂછપરછ કરાઈ રહી છે.
ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલ અર્શદીપ વિરુદ્ધ ભારતમાં યુએપીએ હેઠળ કેસ નોંધાયેલા છે. ટાર્ગેટ કિલિંગના અનેક કેસમાં પણ તેનું નામ સંડોવાયેલું છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ યાદીમાં તેનો સમાવેશ કરાયો છે. અર્શદીપ ગયા વર્ષે સરેમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરનો ખાસ સાથી હોવાનું મનાય છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓના મતે ખાલિસ્તાની આતંકી અર્શ ડાલા ભારતમાંથી ભાગી છૂટયા પછી પત્ની સાથે કેનેડામાં સ્થાયી થયો છે. ગૃહ મંત્રાલયે યુએપીએ હેઠળ અર્શ ડાલાને આતંકી જાહેર કરેલો છે અને તેના માથે રૂ. પાંચ લાખનું ઈનામ જાહેર કર્યું છે.
આ ઉપરાંત ભારતમાં પંજાબના ફરીદકોટમાં અર્શદીપના બે ગુંડાઓની પણ ધરપકડ કરાઈ છે, આ બંને શૂટરોએ અર્શ ડાલાના કહેવાથી ગ્વાલિયરમાં જસવંતસિંહ ગિલની પણ હત્યા કરી હતી તેમ પંજાબ પોલીસના ડીજીપીએ કહ્યું હતું.
મંદિર હુમલા કેસમાં માસ્ટરમાઇન્ડની ધરપકડ
કેનેડામાં હિન્દુ સભા મંદિર પર હુમલાના કેસમાં કેનેડા પોલીસે ચોથા આરોપીની ધરપકડ કરી હતી. 35 વર્ષીય ઈન્દરજિત ગોસાલ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને ગુરપતવંતસિંહ પન્નુનો વિશ્વાસુ હોવાનું કહેવાય છે. ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિર પર હુમલાની યોજના ઈન્દરજિતે જ તૈયાર કરી હતી. હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી ખાલિસ્તાન મુદ્દે રેફરેન્ડમનું કામ ઈન્દરજિત જોઈ રહ્યો હતો. પોલીસે કહ્યું કે, ગોસાલની 8 નવેમ્બરે ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી તેને જામીન પર છોડી મૂકાયો છે.