વોશિંગ્ટનઃ અમેરિકી સરકારના એક કમિશને ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્યની સ્થિતિ કથળી રહી હોવાનું જણાવી ભારતને ‘કન્ટ્રી ફોર પર્ટિક્યૂલર કન્સર્ન’નો દરજ્જો આપવાની માગ કરી છે. યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમ (USCIRF) દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક સેમા હસન દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ભારત અંગેના સેક્શનમાં સરકારી અધિકારીઓ દ્વારા હેટ સ્પીચ સહિતના અપપ્રચારનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે આવા અપપ્રચારનો ધાર્મિક લઘુમતીઓ અને તેમના ધર્મસ્થાનો પર હિંસક હુમલા માટે ઉશ્કેરણી કરવા થાય છે. USCIRFએ તેના એન્યુઅલ રિપોર્ટમાં એવી ભલામણ પણ કરી છે કે ધાર્મિક સ્વાતંત્ર્યના ઉલ્લંઘનો બદલ અમેરિકી વિદેશ વિભાગ ભારતને ‘કન્ટ્રી ફોર પર્ટિક્યુલર કન્સર્ન’નો દરજ્જો આપે. અલબત્ત, અમેરિકી વિદેશ વિભાગે હજુ સુધી આ ભલામણો સ્વીકારી નથી.
USCIRF પક્ષપાતભર્યું સંગઠનઃ ભારત
ભારત સરકારે USCIRFના રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા તેના તારણને ફગાવ્યા છે. ભારતે USCIRને રાજકીય એજન્ડા સાથેનું પક્ષપાતી સંગઠન ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે USCIRF દ્વારા હકીકતોને ખોટી રીતે રજૂ કરવાનું જારી છે અને તે ભારત અંગેનું રાજકારણ પ્રેરિત નેરેટિવ ફેલાવે છે. અમે તેનો મલિન ઇરાદા સાથેનો રિપોર્ટ ફગાવીએ છીએ.