ન્યૂ યોર્ક: અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાએ 11 વર્ષના દીકરાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. સરિતા રામારાજુ નામની 48 વર્ષની આ મહિલા ડિવોર્સી છે અને દીકરાની કસ્ટડી મુદ્દે તેને તેના પૂર્વ પતિ પ્રકાશ રાજુ સાથે કાનૂની કેસ ચાલે છે. બંનેના 2018માં ડિવોર્સ થયા હતા. સરિતા ત્રણ દિવસની કસ્ટડી વિઝિટ દરમિયાન દીકરાને ડિઝનીલેન્ડ ફરવા લઈ ગઈ હતી, જ્યાં પહેલાં દીકરાને બધે ફેરવ્યો હતો.
આ પછી સેન્ટા એનાના મોટેલ રૂમમાં ચાકુ વડે દીકરાનું ગળું કાપીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સરિતાએ 19 જાન્યુઆરીએ મોટેલમાંથી ચેકઆઉટના દિવસે અને દીકરાને તેના પિતા પાસે મોકલવાના દિવસે તેની હત્યા કર્યા બાદ જાતે જ પોલીસને જાણ કરી હતી. સરિતાએ પોતે પણ આપઘાતના પ્રયાસરૂપે ઊંઘની ગોળીઓ ખાઇને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. આ હત્યાકેસમાં તેને 26 વર્ષ સુધીની કેદ થઇ શકે છે.