હ્યુસ્ટનઃ જૂના પુરાણા નાઝી લશ્કરી ગણવેશ અને શસ્ત્રસજ્જ ભારતીય અમેરિકન એટર્ની નાથન દેસાઈએ ૨૬ સપ્ટેમ્બરની સવારે તેમના ઘર પાસેથી પસાર થતાં નવ નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી તેમને ઈજા પહોંચાડ્યા પછી પોલીસે દેસાઈને ઠાર કર્યા હતા. દેસાઈના નિવૃત્ત જીઓલોજિસ્ટ પિતા પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે કાયદાની પેઢી બંધ થઈ જતા તેમના ૪૬ વર્ષીય પુત્રની માનસિક હાલત ખરાબ થઈ હતી. હ્યુસ્ટનના એક્ટિંગ પોલીસ વડા માર્થા મોન્ટાલ્વોએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. જોકે, પોલીસ આ ગોળીબાર પાછળના ચોક્કસ હેતુઓ જાણી શકી નથી.
ટેક્સાસના હ્યુસ્ટનના રહેવાસી અને નાઝી ગણવેશમાં સજ્જ નાથન દેસાઈએ વૃક્ષની પાછળ ઉભા રહી સેમી ઓટોમેટિક .૪૫ કેલિબર હેન્ડગનથી આવતી-જતી કાર અને રાહદારીઓ પર આડેધડ ગોળીઓ ચલાવી હતી. પોલીસે હસ્તક્ષેપ કરવા પ્રયાસ કર્યા પછી પણ દેસાઈ અટક્યા ન હતા અને આખરે પોલીસે તેમના પર ગોળી ચલાવી હતી. આ ઘટનામાં નવ લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી ત્રણને ગંભીર ઈજા થઈ હતી. પોલીસને દેસાઈની કારમાંથી ટોમી ગન અને ૨૬૦૦થી વધુ એમ્યુનિશન તેમજ તેની અંગત ચીજવસ્તુઓમાં યુએસ સિવિલ વોરના સમયગાળા સહિતના લશ્કરી વસ્ત્રો અને સરંજામ મળ્યો હતો. જોકે, તેનો સંબંધ ત્રાસવાદીઓ સાથે હોવાનું સ્થાપિત થયું નથી.
ભારતમાં જન્મેલા નિરેન દેસાઈ ૧૯૮૯માં યુએસ નાગરિક બન્યા હતા અને તેમણે નામ બદલી નાથન કર્યું હતું. દેસાઈએ યુનિવર્સિટી ઓફ ટુલ્સામાંથી લો ડીગ્રી મેળવી ૨૦૦૩માં પ્રેક્ટિસ શરુ કરી હતી. છ મહિના અગાઉ જ નાથન દેસાઈ અને તેના પાર્ટનર કેન મેકડેનિયલે નાણાકીય કારણોસર ભાગીદારીમાંથી છૂટા થઈ લો ફર્મ બંધ કરી હતી.